કમોસમી વરસાદથી બચવા કાપણી કરેલ પાક ઢાંકવા અને APMCમાં જણસો સુરક્ષિત રાખવા તંત્રનો અનુરોધમોરબી : હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, મોરબી જિલ્લામાં આવતીકાલે 8 એપ્રિલ 2026 ના રોજ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા છે. આ સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત મોરબી દ્વારા ખેડૂતો, વેપારીઓ અને ખેતપેદાશ સાથે સંકળાયેલા તમામ લોકોને આગોતરા સાવચેતીના પગલાં લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા માટે ખેતરમાં કાપણી કરેલ પાક જો ખુલ્લો હોય, તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં, ખેતરમાં રહેલા ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવા પણ જણાવાયું છે.એપીએમસી (માર્કેટિંગ યાર્ડ) માં વેચાણ અર્થે આવતા ખેડૂતો અને વેપારી મિત્રોને પણ પોતાની જણસો સુરક્ષિત રાખવા અને શક્ય હોય તો આ દિવસો દરમિયાન જણસો લાવવાનું ટાળવા અથવા પૂરતી સાવચેતી રાખવા જણાવાયું છે. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ પોતાના ગોડાઉનમાં જથ્થો પલળે નહીં તે મુજબ સુરક્ષિત રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ અંગે વધુ માહિતી કે માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો. આ ઉપરાંત કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800 180 1551 ઉપર પણ સંપર્ક કરી શકાશે. 'અગમચેતી એ જ સલામતી'ના મંત્રને અનુસરી ખેડૂતોને આર્થિક નુકસાનથી બચવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #WeatherForecast #Agriculture #RainAlert #GujaratFarmers #Mavthu #Awareness