હળવદ તાલુકાના માલણીયાદ ગામે બનેલી વિચિત્ર ઘટનાહળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામે ખેતરમાં પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન કૌટુંબિક ભાઈઓ વચ્ચે ડખ્ખો થતા રોષે ભરાયેલા ભાઈએ જેસીબીના ડ્રાઈવરને નીચે ઉતારી દઈ પોતે જેસીબી ચલાવી કૌટુંબિક ભાઈના પત્ની અને યુવાનને માથામાં જેસીબીનું બકેટ ફટકારી દેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માલણીયાદ ગામના હસમુખભાઈ જીવણભાઈ પરમારે આરોપી કાંતિલાલ દલસુખભાઈ પરમાર, ચેતનભાઈ દલસુખભાઈ પરમાર, પ્રભુભાઈ ગોરધનભાઇ ચાવડા અને ભગવાનજીભાઈ મુળજીભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ પોતાના ખેતરના શેઢે જેસીબીથી પાઇપલાઇન નાખી રહ્યા હતા ત્યારે જેસીબી ચાલકને વાડ તરફ જેસીબી નહિ ચલાવવા કહ્યું હતું.છતાં જેસીબી બંધ ન કરતા ફરિયાદી જેસીબી આડે બેસી જતા આરોપી કાંતિલાલ દલસુખભાઈ પરમારે જેસીબી ચાલકને નીચે ઉતારી દઈ પોતે જેસીબી ચલાવી સાહેદ અક્ષય અને ફરિયાદીના પત્નીને બકેટ એટલે કે જેસીબીના સુપડા વડે ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.