બે વર્ષથી શરૂ થયેલ સીટી મામલતદાર કચેરીમાં પુરવઠાને લગતી કામગીરી શરૂ ન થતા સભ્ય લાલચોળ : NFSA કાર્ડ ફાળવણીમાં પણ ભેદભાવ જિલ્લામાં સસ્તા અનાજની નવી દુકાનો ચાલુ કરવા કલેક્ટરને રજુઆત મોરબી : મોરબી શહેરી જનતાને હાલાકી ન પડે તે માટે તાલુકા મામલતદાર કચેરીમાંથી અલગ કરીને નવી સીટી મામલતદાર કચેરી શરૂ કરવામાં આવી હતી.પણ સીટી મામલતદાર કચેરી શરૂ થયાને બે વર્ષ થવા છતાં હજુ સુધી પુરવઠાની કામગીરી શરૂ થઈ જ નથી. તેથી લોકોને મોંઘાદાટ રીક્ષા ભાડા ખર્ચીને લાલબાગ સેવા સદન ખાતે ધક્કા થાય છે. પણ ત્યાં કાર્યભારણ વધુ હોવાથી લોકોના કામમાં વિલંબ થઇ રહ્યાનું જણાવી પુરવઠા સલાહકાર સમિતિના સદસ્યની રજુઆત જ ધ્યાને ન લેવાતી હોવાની છાપ ઉપસી છે. મોરબીના સામાજિક કાર્યકર અને પુરવઠા સલાહકાર સમિતિના સદસ્ય પી.પી.જોશીએ કલેક્ટરને રજુઆત કરી છે કે, અગાઉની અરજીઓને ધ્યાને લઈને હજુ સુધી મોરબી જિલ્લામાં સસ્તા અને વ્યાજબી દરે અનાજની દુકાનો ચાલુ કરી નથી પરિણામે ગરીબ લોકો હેરાન થાય છે. તેમજ મોરબી સિટીમાં આજે પણ ઘણી દુકાનો ચાર્જમાં ચાલે છે. આથી તેનું તાકીદે જાહેરનામું બહાર પાડવું. જેથી બેકાર યુવાનો કે વિધવાઓને રોજગારી મળી શકે. આ ઉપરાંત મોરબી શહેરમાં ઘણા સસ્તા અનાજના પરવાનેદારો એક હજારથી તેરસો જેટલા એનએફએસએ કાર્ડ ફાળવાયા છે અને બાજુમાં જ આવેલ અન્ય દુકાનદારને 200 થી 300 જેટલા જ એનએફએસએ કાર્ડ હોય છે. તેથી સરકારની હાલની નવી સૂચના પ્રમાણે જ દુકાનદારોને કાર્ડ બરોબર રીતે આપવા માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો કે ઘણી સસ્તા અનાજની દુકાનોમાં લોકોને રાશન નિયમિત મળતું નથી અને વારંવાર ધક્કા થાય છે. જ્યારે સરકાર ગરીબો પાછળ કરોડોના ખર્ચા કરે છે.પણ અધિકારીઓની અણઆવડતને લીધે ગરીબો હક્કથી વંચિત રહી જાય છે. તેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પુરવઠા સલાહકાર સમિતિના સદસ્ય દ્વારા ઉઠાવવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..