એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઇકના મૅગવ્હીલની આરામથી કરી ચોરી: મોરબી: શહેરમાં તસ્કરોની હિંમત વધતી જતી હોય એમ વારંવાર ઘરફોડ ચોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે. જો કે, શહેરના એક એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલા બાઈકમાંથી તસ્કરોએ આરામથી બન્ને મૅગવ્હિલની ચોરી કરતા તરેહતરેહની ચર્ચા ઉદ્દભવી છે. મોરબી શહેરના નવલખી રોડ પર આવેલા લાઇન્સનગર વિસ્તારના સતનામ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી કોઈ તસ્કરો સ્પ્લેનડર બાઇક નંબર GJ 11 AK 8011ના બન્ને મૅગવ્હિલ કાઢીને લઈ ગયા હોવાનો બનાવ સામે આવતા લોકોમાં ચોરની હિંમતથી હેરાની વ્યાપી છે. મોટે ભાગે રેઢું પડેલું વાહન ચોરી જવું આસન હોય છે. પણ આ કિસ્સામાં તસ્કરોએ બન્ને મૅગ-વ્હિલ બાઈકમાંથી ખોલીને કાઢી શકાય એટલો સમય ચોરીના સ્થળે વિતાવ્યો હોય લોકોમાં આશ્ચર્ય સાથે ભયની લાગણી ફેલાઈ છે. મૂળ જૂનાગઢના અને હાલ શનાળા રોડ પર પીજીવીસીએલમાં નોકરી કરતા 30 વર્ષીય જીગ્નેશભાઈ મેઘનાથી નામના બાઇક માલિકને બનાવની જાણ થતાં શહેરના બી. ડીવી. પોલીસ સ્ટેશનમાં આ ચોરીની જાણવા જોગ નોંધ કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત એપાર્ટમેન્ટમાં પાર્ક થયેલા વાહનોમાંથી નિયમિત રીતે પેટ્રોલ ચોરીના બનાવો બનતા હોવાનું જીગ્નેશભાઈ મેઘનાથીએ મોરબી અપડેટ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. પાર્ક થયેલા વાહનોમાં મોડી રાત્રે નુકશાન કરનાર તત્વો પણ સક્રિય છે. છતાં નાની નાની ઘટનાઓને લઈને સ્થાનિકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા હોય ગત રાત્રીએ તસ્કરોએ વધુ હિંમત બતાવી આરામથી મૅગવ્હિલની ચોરીને અંજામ આપ્યો હોય આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સુદ્રદ્ધ બનાવવા સ્થાનિકોમાં માંગણી ઉઠી રહી છે. ઉપરોક્ત બનાવમાં જો નજીકમાં રહેલા સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવે તો પણ તસ્કરો સુધી પહોંચી શકવામાં મદદ મળશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.