ખાણ ખનીજ વિભાગના સિક્યુરિટી ગાર્ડની જિંદગી જોખમમાં મૂકી, સિક્યુરિટી ગાર્ડ માંડ ડમ્પર કાબુમાં લીધુંવાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ખનીજ ચોરી બદલ ખાણ ખનીજ વિભાગે જપ્ત કરેલ રેતી ભરેલા ડમ્પરને વાંકાનેર તાલુકા પોલીસ મથકે મુકવા જતા સમયે ખનીજ ચોર ડમ્પર ચાલક હાઇવે ઉપર ચાલુ ડમ્પરે ઉતરી જતા સિક્યુરિટી ગાર્ડની જિંદગી જોખમમાં મુકાઈ હતી. જો કે, સિક્યુરીટી ગાર્ડ નિવૃત આર્મીમેન હેવી લાયસન્સ ધરાવતા હોય માંડ કરી ડમ્પરને કાબુ કર્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ગઈકાલે વહેલી સવારે ખનીજ ચોરી અંગે ચેકીંગ હાથ ધરતા જીજે - 13 - એડબ્લ્યુ - 6351 નંબરનું ડમ્પર રોયલ્ટી ભર્યા વગર રેતીની ખનીજ ચોરી કરતા ઝડપાઇ જતા ખાણ ખનીજ વિભાગની સૂચના મુજબ સિક્યુરિટી ગાર્ડ અને નિવૃત આર્મીમેન મહેશભાઈ મોતીભાઈ ગોધાણી ડમ્પર ચાલક આરોપી રાજુભાઇ પરમાર નામના શખ્સને ડમ્પર વાહન સાથે વાંકાનેર તાલુકા પોલીસ મથકે જપ્ત કરેલ વાહન જમા કરાવવા જતા હતા. બરાબર આ સમયે જાલીડા ગામના બોર્ડ પાસે ડમ્પર ચાલક રાજુ પરમાર ચાલુ ડમ્પરે કૂદકો મારી નીચે ઉતરી ભાગી ગયો હતો અને સિક્યુરિટી ગાર્ડનો જીવ જોખમમાં મુકી દીધો હતો. જો કે, નિવૃત આર્મીમેન મહેશભાઈ હેવી લાયસન્સ ધરાવતા હોય મહામહેનતે ડમ્પરને કાબુમાં કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકે જમા કરાવી આરોપી ડમ્પર ચાલક રાજુ પરમાર વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.