જુના બસસ્ટેન્ડ નજીક બનેલા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબી શહેરમા જાહેર રસ્તા ઉપર દોરડા ઉપર ઉભા રહી સર્કસના ખેલ કરતા મૂળ છત્તીસગઢ રાજ્યના રહેવાસી સગીરનું કોઈ અજાણ્યા ઇસમે અપહરણ કરી વાલીપણામાંથી ભગાડી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી ફાટક નજીક ઝુંપડામા રહેતા મૂળ છત્તીસગઢ રાજ્યના રહેવાસી અને રોડ ઉપર રસી ઉપર ઢોલક સર્કસનો ખેલ કરતા યુવાન કરણ રામકુમાર નટ બજાણીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાના નાના ભાઈનું કોઈ અજાણ્યા ઇસમે અપહરણ કર્યા અંગે ફરિયાદ નોંધાવી છે. કરણ રામકુમાર નટ બજાણીયાની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેનો નાનો ભાઈ ધર્મેન્દ્ર ઉ.13 વર્ષ 7 માસ વાળો ગત તા.13 જાન્યુઆરીના રોજ તેમના કૌટુંબિક ભાભી સાથે જુના બસસ્ટેન્ડ પાસે રસી - ઢોલકનો સર્કસનો ખેલ કરવા ગયો હતો ત્યારે કોઈ શખ્સ દ્વારા અપહરણ કરવામા આવ્યું હતું. આ મામલે પોલીસે આઇપીસી કલમ 363 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.