કાળા કાચ વાળી સફેદ કલરની સ્વીફ્ટ કારમાં આવેલા લૂંટારુ મરચાની ભૂક્કી છાંટી રૂપિયા ભરેલો થેલો લઈ નાસી છૂટ્યા : નાકાબંધી મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર થોડી મિનિટ પૂર્વે રોકડ ભરેલા થેલાની લૂંટ કરી લૂંટારુઓ સફેદ કલરની સ્વીફ્ટ કારમાં નાસી છૂટતા સનસનાટી મચી જવા પામી છે. ધોળે દહાડે લૂંટને અંજામ આપનારા લૂંટારૂઓને ઝડપી લેવા પોલીસે ચોતરફ નાકાબંધી કરી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પીપળી રોડ ઉપર આશીષસિંહ વાઘેલા નામની વ્યક્તિ નાણાં ભરેલો થેલો લઈને જઈ રહ્યા હતા. ત્યારે સફેદ કલરની કાળા કાચ વાળી સ્વીફ્ટ કારમાં ઘસી આવેલા લૂંટારૂઓએ આશીષસિંહની આંખમાં મરચાની ભૂક્કી નાખી હાથમાંથી રોકડ રકમ ભરેલો થેલો આંચકી લઈ લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. લૂંટની ઘટના બનતા આશીષસિંહે તુરત જ પોલીસને જાણ કરતા પોલીસે ચોતરફ નાકાબંધી કરાવી લૂંટારુઓની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે. હાલ તાલુકા પોલીસ લૂંટનો ભોગ બનનાર આશીષસિંહ પાસેથી સમગ્ર ઘટનાક્રમ અંગેની વિગતો મેળવી રહી છે.