તપાસનીશ અધિકારી દ્વારા ઓરેવા કંપનીના બન્ને મેનેજરોને સાથે રાખી ક્રોસ તપાસ માટે કરાઈ છે ઉપલી કોર્ટમાં રિવિઝન રિમાન્ડ અરજી મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં નામદાર મોરબી કોર્ટે દ્વારા ઓરેવા કંપનીના બન્ને મેનેજરની રિમાન્ડ ના મંજુર કરતા તપાસનીશ ટીમ દ્વારા ઉપલી કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરાતા આગામી તા.9 ના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવી છે. મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડવાના કેસમાં 135 લોકોના મૃત્યુ પ્રકરણમાં ઓરેવા કંપનીના મેનેજર અને ફેબ્રિકેશન કોન્ટ્રાકટરના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તપાસનીશ ટીમ દ્વારા ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ અને દિનેશ દવેને સાથે રાખી કલેકટર કચેરી રાજકોટ તેમજ મોરબી અને નગરપાલિકા મોરબીમાં ક્રોસ તપાસ માટે વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી પરંતુ નામદાર કોર્ટે બન્ને પક્ષની દલીલ બાદ રિમાન્ડ માંગણી ફગાવી હતી. જો કે તપાસનીશ અધિકારી દ્વારા આ મામલે મોરબીની ઉપલી કોર્ટમાં રિવિઝન રિમાન્ડ અરજી કરવામાં આવી હોવાનું અને જેની વધુ સુનાવણી આગામી તા.9ના રોજ મુકરર કરવામાં આવી હોવાનું સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું.