પડતર પ્રશ્નો મુદ્દે પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ આકરા પાણીએ મોરબી : મોરબી જિલ્લાના પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મીઓ પડતર પ્રશ્ને આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જ્યા સુધી તેઓના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી તેઓ દ્વારા આ હડતાલ યથાવત રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. પડતર પ્રશ્નોને લઈને ગુજરાત પંચાયત સેવા આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે મોરબી જિલ્લાના પંચાયત સેવાના કર્મચારીઓએ પેન ડાઉન, કાળી પટ્ટી બાંધીને વિરોધ, માસ સીએલ, રક્તદાન કેમ્પ, સફાઈ અભિયાન સહિતના કાર્યક્રમો આપીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વધુમાં આજથી આરોગ્ય કર્મીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે. આજે મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉમટી પડીને આરોગ્ય કર્મીઓએ હડતાલનો પ્રારંભ કર્યો હતો. જ્યા સુધી સરકાર દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવામાં નહિ આવે ત્યાં સુધી આ હડતાલ શરૂ રહેશે તેમ મંડળે જણાવ્યું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en