બીમારી છુપાવવાના બહાને વીમો નામંજૂર કરાયો હતો: ગ્રાહક સુરક્ષા મંડળ મારફત લડત લડાતા અદાલતે ખર્ચ પેટે રૂ. 5000 પણ મંજૂર કર્યામોરબી અપડેટ: ટંકારા તાલુકાના ઊંચી ઓટાડા ગામના વતનીના પુત્રની બીમારી બાદ અવસાન થતાં કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીએ નકારેલા રૂ. 8 લાખના ક્લેઇમ મામલે મોરબી ગ્રાહક અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપી વીમા કંપનીને વ્યાજ સાથે રકમ ચૂકવી આપવા હુકમ કર્યો છે.કેસની વિગત મુજબ, ઊંચી ઓટાડા ગામના કેતનભાઈ મણીલાલ દેસાઈના પુત્રનો કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેડિકલ વીમો હતો. પુત્રને તાવ અને ગંભીર બીમારી થતાં તેને 08/01/2025 થી 11/01/2025 સુધી મોરબીની વેદાંત હોસ્પિટલમાં, ત્યારબાદ 19/01/2025 થી મુંબઈની વડિયા હોસ્પિટલમાં અને ફરી રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન કમનસીબે પુત્રનું અવસાન થયું હતું. આ સમગ્ર સારવાર પાછળ રૂ. 8,00,000 (આઠ લાખ) જેટલો ખર્ચ થયો હતો.પરિવાર દ્વારા વીમા કંપની સમક્ષ ક્લેઇમ રજૂ કરાતા કંપનીએ બીમારી છુપાવી હોવાનું કારણ દર્શાવી રેપ્યુડ લેટર આપી ક્લેઇમ નામંજૂર કર્યો હતો. જેથી અન્યાય થતાં કેતનભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. નામદાર ગ્રાહક અદાલતે અવલોકન કર્યું હતું કે ગ્રાહક પાસે મેડિકલ પોલિસી છે અને પ્રીમિયમ પણ નિયમિત ભરેલું હોવાથી માત્ર રેપ્યુડ લેટરથી વીમો નકારી શકાય નહીં. જેથી કોર્ટે વીમા કંપનીને તા. 20/04/2026 થી 6% ના ચડત વ્યાજ સાથે રૂ. 8,00,000 તેમજ અરજી ખર્ચ પેટે રૂ. 5,000 ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. જો વીમા કંપની 1 માસમાં રકમ નહીં ચૂકવે તો 9% લેખે વ્યાજ ચૂકવવું પડશે. ગ્રાહક સુરક્ષા મંડળે જણાવ્યું છે કે ગ્રાહક તરીકે અન્યાય થાય ત્યારે પોતાના હક માટે અચૂક લડત આપવી જોઈએ.#Morbi #Tankara #MorbiUpdate #ConsumerCourt #CareHealthInsurance #GrahakSurakshaMandal #InsuranceClaim #MorbiNews