હળવદ : ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે હળવદ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને લઈને સઘન સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. બાવરવાની સૂચના મુજબ આગામી સમયમાં મચ્છરજન્ય રોગચાળો ના વકરે તે માટે THO ડૉ. ચિંતન દોશી અને તાલુકા સુપરવાઈઝર લાલજીભાઈ બસિયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય તેમજ સિટી વિસ્તારમાં જુદી જુદી ટીમ બનાવી આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વે કામગીરી કરવામાં આવી છે. જેમાં ફીવર સર્વેની સાથે ઘરમાં વપરાશ માટે પાણી ભરેલા પાત્રોમાં એબેટ નાખવું તેમજ છત પરના નાકમાં પાત્રોનો નિકાલ કરવો તથા વરસાદી પાણી ભરાયેલા ખાડામાં બળેલ ઓઈલ નાખવું, દવાનો છંટકાવ કરવો તથા કાયમી ભરાઈ રહેતા ખૂલ્લા પાણીના સ્થળો જેવા કે વોકળા, કૂવા, નાની ખેત તલાવડી વગેરેમાં પોરભક્ષક માછલીઓ મૂકવી જેવી વિવિધ મચ્છર ઉત્પતિ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી જેથી મચ્છરનો ઉપદ્રવ ના થાય અને મચ્છરજન્ય રોગચાળો ના વકરે. વધુમાં આ તકે THO હળવદ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા બ્રિડીંગ સ્થળ જોવા મળે તો એમનો નિકાલ કરવો અને દર રવિવારે સવારે દસ વાગે દસ મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવો અને આ ઝુંબેશમાં સહભાગી બનીને લોક સહકાર થકી મચ્છરજન્ય રોગોને ડામવા જણાવાયું હતું.