વિદ્યાર્થિનીઓને કિચન ગાર્ડનિંગની પ્રાયોગિક તાલીમ અપાઈ: ઘરે વાવવા માટે પાલકના બીજનું નિઃશુલ્ક વિતરણમોરબી અપડેટ : મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે આરોગ્ય જાળવણી, પર્યાવરણ સંરક્ષણ અને કિચન ગાર્ડનિંગ અંગે માર્ગદર્શન આપવા માટે એક વિશેષ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને સ્થળ, સાધન, માટી, બીજ, પાણી, ખાતર, વાવેતર અને રોગ નિયંત્રણ વિશે વિસ્તૃત અને પ્રાયોગિક સમજણ આપવામાં આવી હતી. બજારમાં મળતા શાકભાજીમાં છંટાતા જંતુનાશકોથી કેન્સર જેવા ગંભીર રોગો ઘરે-ઘરે ફેલાઈ રહ્યા છે, તેનાથી બચવા ઘરે જ ઓર્ગેનિક શાકભાજી વાવીને ખાવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને પાલકની પસંદગી એટલા માટે કરાઈ હતી કારણ કે બજારમાં મળતી પાલક વિશ્વમાં સૌથી વધુ પ્રદુષિત શાકભાજી મનાય છે અને શરીરમાં ઝેર ફેલાવે છે. વિદ્યાર્થિનીઓ જાતે બીજરોપણ અને ઉછેર કરીને પ્રકૃતિ સાથે જોડાય તે હેતુથી તમામ બહેનોને ઘરે વાવવા માટે દેશી પાલકના બીજનું પેકેટ મફત આપવામાં આવ્યું હતું.આ તાલીમ પર્યાવરણપ્રેમી પ્રાણજીવન કાલરિયા દ્વારા આપવામાં આવી હતી. તેઓએ શાળાને બીજની કીટ તથા પોતે લખેલા વનસ્પતિ અને ગોપાલન અંગેના પુસ્તકો પણ ભેટમાં આપ્યા હતા. આ પ્રસંગે મધુરમ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ ડૉ. મધુસૂદન પાઠક તથા પ્રકૃતિ ઉપચાર કેન્દ્રના નેચરોપેથ શૈલેષભાઈ કાલરિયાએ બહેનોને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા શાળાના આચાર્ય દિનેશભાઇ વડસોલા અને શિક્ષક સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. અંતમાં શિક્ષક દયાલજીભાઈ બાવરવાએ આભારવિધિ કરી હતી.અન્ય માધ્યમિક શાળાઓના સંચાલકો કે આચાર્યો પોતાની શાળામાં આવા નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરાવવા માંગતા હોય તો તેઓ મોબાઈલ નંબર 9426232400 પર ફોન કે વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરી શકે છે.#Morbi #MorbiNews #MorbiUpdate #EnvironmentAwareness #KitchenGarden #OrganicFarming #MadhaparwadiSchool #HealthAwareness