પર્યાવરણપ્રેમી પ્રાણજીવન કાલરિયાએ વિદ્યાર્થીઓને કિચન ગાર્ડનની તાલીમ આપી 67મા જન્મદિવસની અનોખી ઉજવણી કરીમોરબી અપડેટ : મોરબીની કલ્યાણ (વજે.) પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 8 ના અંદાજે 120 વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાળવણી, પર્યાવરણ સંરક્ષણ તથા કિચન ગાર્ડનિંગ અંગે માર્ગદર્શન આપવા માટે એક વિશેષ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કિચન ગાર્ડન માટે સ્થળ, સાધન, માટી, બીજ, પાણી, ખાતર, વાવેતર અને રોગ નિયંત્રણ વિશે વિસ્તૃત અને પ્રાયોગિક સમજણ આપવામાં આવી હતી. બજારમાં મળતા શાકભાજીમાં મોટા પ્રમાણમાં છંટાતા જંતુનાશકોથી કેન્સર જેવા ગંભીર રોગો ઘરે-ઘરે ફેલાઈ રહ્યા છે, તેનાથી બચવા ઘરે જ ઓર્ગેનિક શાકભાજી વાવીને ખાવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. બાળકો જાતે બીજરોપણ અને ઉછેર કરીને પ્રકૃતિ સાથે જોડાય તે ઉદ્દેશથી તમામ વિદ્યાર્થીઓને ઘરે વાવવા માટે દેશી પાલક, મેથી અને ધાણાના બીજનું પેકેટ મફત આપવામાં આવ્યું હતું. તાલીમમાં ખાસ કરીને પાલકની પસંદગી એટલા માટે કરાઈ હતી કારણ કે બજારમાં મળતી પાલક વિશ્વમાં સૌથી વધુ પ્રદુષિત શાકભાજી મનાય છે અને શરીરમાં ઝેર ફેલાવે છે.આ તાલીમ આપીને પર્યાવરણપ્રેમી પ્રાણજીવન કાલરિયાએ પોતાના 67મા જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી કરી હતી. તેઓએ આ તકે 67 વિદ્યાર્થીઓને બીજની કીટ (પાલક, ધાણા, મેથી) તથા પોતે લખેલા વનસ્પતિ અને ગોપાલન અંગેના પુસ્તકો શાળાને ભેટ આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બીજની ઓળખ માટે એક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રકૃતિ ઉપચાર કેન્દ્રના નેચરોપેથ શૈલેષ કાલરિયાએ વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા શાળાના આચાર્ય રજનીકાંત ચિકાણી અને તમામ શિક્ષક સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. અંતમાં શિક્ષક કૌશિક શેરશિયાએ આભારવિધિ કરી હતી. અન્ય માધ્યમિક શાળાઓના સંચાલકો કે આચાર્યો પોતાની શાળામાં આવા નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરાવવા માંગતા હોય તો તેઓ મોબાઈલ નંબર 9426232400 પર ફોન કે વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક કરી શકે છે.#Morbi #MorbiNews #MorbiUpdate #EnvironmentAwareness #KitchenGarden #OrganicFarming #KalyanSchool #HealthAwareness