તા.31 સુધી વિવિધ કાર્યક્રમો : તા 26એ મહાપાલિકાના તમામ સફાઈ કામદારોની આરોગ્યની ચકાસણી કરાશેમોરબી : મોરબી મહાનગર પાલિકાને 1 વર્ષ પૂર્ણ થતાં ઉજવણીના ભાગ રૂપે તા.24 થી તા.31 સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો.તાજેતરમાં મોરબીમાં ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત સ્ટાફની સુખાકારી માટે તેમના આરોગ્ય ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકાના મેઈન બિલ્ડીંગ ખાતે બપોરે ૨ થી ૭ સુધી યુપીએચસી ગોકુલ નગર ટીમ દ્વારા MMC કચેરી સ્ટાફ, ડ્રેનેજ શાખા, તથા ઈલેક્ટ્રીક શાખાના સ્ટાફની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ 150થી વધુ મહાનગરપાલિકાના કર્મીઓએ આરોગ્યની ચકાસણી કરાવી હતી. આ કાર્યકર્મનો મુખ્ય ઉદેશ્ય મહાનગર પાલિકાના તમામ ક્રમચારી સ્ટ્રેસ ફ્રી જીવન નિર્વાહ કરે, તેમજ આધુનિક સમય માં હતાશા- નિરાશા થી મુક્ત આનંદ- ઉત્સાહ સાથે પોતાનું કાર્ય કરે તેવો રહ્યો હતો. આગામી તા. ૨૬ના રોજ મહાનગર પાલિકાના તમામ સફાઈ કામદારોની આરોગ્યની ચકાસણી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સાથે તા. ૨૪ ના સાંજે રક્તદાન કેમ્પ યોજાયો હતો, સાંજે ૫:૦૦ થી ૭:૩૦ સુધી મોરબી મહાનગરપાલિકા સંચાલિત કોમ્યુનીટી હોલ, સરદારબાગ ખાતે મહાનગર પાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર તમામ MMC ના કર્મીઓને સર્ટિફિકેટ વિતરણ કર્યા હતા, મોરબી મહાનગર પાલિકા દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદેશ માનવ જીવન બચાવવા માટે એક ડગલું આગળ આવવાનો રહ્યો છે, જેમાં MMC ના તમામ શાખાધિકારી તથા કર્મચારીઓ એ રક્તદાન કરી સમાજમાં માનવ જીવન બચાવવાનો મેસેજ આપ્યો હતો. બન્ને કાર્યક્રમમાં MMCના કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિહ વાળા ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.