15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી મોરબી : પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે ખુશીની આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે મંગળવારે મકરસંક્રાતિએ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સવારથી સાંજ સુધી પવન રહેશે જેથી પતંગ ચડાવવા માટે પતંગ રસિકોને આંચકા નહીં મારવા પડે રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી ફરી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઉત્તર અને પૂર્વ દિશામાંથી ફૂંકાતા પવનની ગતિમાં પણ વધારો થયો છે. જો કે, દર વર્ષે ઉતરાયણના દિવસે જ પવનની ગતિ મંદ પડી જતી હોવાથી પતંગ રસિયાઓના હાથ દુખી જતા હોય છે. જો કે, હવામાન વિભાગે પતંગ રસિયાઓ માટે આનંદની હેલી ઉઠે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલે સવારથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેથી પતંગ ચડાવવામાં આસાની રહેશે. પવનની દિશા પૂર્વ તથા ઉત્તર પૂર્વ તરફ રહેવાની આગાહી કરવામાં આવી છે.