કુરુક્ષેત્ર ખાતે આવેલ રાજ્યપાલના ફાર્મની મુલાકાત લઈ રંગપરના ખેડૂતે પ્રાકૃતિક ખેતી શરૂ કરી મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના તમામ ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જન અભિયાન હાથ ધર્યું છે જે અન્વયે આગામી ૧૦ સપ્ટેમ્બરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ માટે મોરબી જિલ્લામાં પધારે છે. ત્યારે મોરબી જિલ્લાના રંગપર ગામના ખેડૂતની પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી પ્રકૃતિના સંવર્ધન સાથે સારૂ એવું આર્થિક ઉપર્જન કરી રહ્યા છે. મોરબી તાલુકાના રંગપર ગામાના વતની હસમુખભાઇ ભુદરભાઇ વડસોલા તેમની પાસેની ૮ એકર જમીનમાંથી ૪ એકરમાં પ્રાકૃતિક ખેતી કરે છે. પહેલા તેમને ૩૨૦૦૦ ના ખર્ચ સામે ૭૮,૦૦૦ની આવક મેળવતા હતા. પ્રાકૃતિક ખેતીને અપનાવ્યા બાદ હાલ તેમનો ખર્ચ ઘટીને ૨૦,૦૦૦ થઇ ગયો છે. સામે ૧૦,૨૦૦૦ની આવક તેઓ મેળવી રહ્યા છે. હસમુખભાઇ વડસોલા જણાવે છે કે, અમે પહેલા રાસાયણિક ખેતી કરતા હતા. વર્ષો પહેલા આમારા વડીલો મગફળી, જુવાર, એરંડા વગેરે પાકોનું વાવેતર કરતા હતા. શરૂઆતમા એક એકરે મગફળીનું ૮૦ મણ કરતાં પણ વધારે ઉત્પાદન મળતુ હતુ. પણ રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો ઉપયોગ વધારે કરવાથી ઉત્પાદન ખર્ચ વધતો ગયો અને જમીનની ફળદ્રુપતા ઘટતી ગઈ તેથી ઉત્પાદન પણ ઘટવા લાગ્યું. મગફળીમાં એકરે ઉત્પાદન ૮૦ મણમાંથી ૫૦ મણ થઇ ગયું. આવા સમયમા અમે ઉત્પાદન ખર્ચ ઘટાડવાનું અને જમીનને ફળદ્રુપ બનાવવાનું વિચાર્યું અને છેવટે અમે ગાય લઈને સજીવ ખેતી કરવાનું વિચાર્યું. તેમાં પણ જરૂરીયાત મુજબ રાસાયણિક ખાતર તથા બજારમાંથી ઓર્ગેનિક દવા અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા થયા છતાં પણ ખર્ચમાં ઘટાડો થયો નહી. ૫ વર્ષ પહેલા હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયો અને આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજાતા જિલ્લા બહાર પ્રવાસ કૃષિ મેળા, જિલ્લા અંદર તાલીમ, પ્રવાસ વગેરેમાં ભાગ લીધો અને ખાસ તો આત્મા દ્વારા રાજ્ય બહાર પ્રવાસમાં કુરુક્ષેત્ર ખાતે આવેલ રાજ્યપાલના ફાર્મની મુલાકાત લીધી અને આ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું અને ત્યારથી જ નિર્ધાર કરી લીધો પ્રાકૃતિક ખેતી કરવાનો. શરૂઆતમાં જીવામૃત ચાલુ કર્યુ ત્યાર બાદ ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી અને પ્રારંભ કર્યો મગફળીના પાક સાથે. મગફળીના પાકનું વાવેતર કર્યું ત્યારે ધ્યામાં આવ્યું કે, રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટવા લાગ્યો હતો. હાલમા જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, ખાટી છાસ, આકડો, દશપર્ણ વગેરેનો ઉપયોગ કરવાથી જમીન પોચી, હરીભરી અને ફળદ્રુપ બની ગઈ છે અને ઉત્પાદન પણ વધવા લાગ્યું છે. જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી પરીણામે પિયતની સંખ્યા પણ ઘટી અને વિજળી ખર્ચમાં પણ બચત થઇ. અત્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન કરેલ મગફળીના સિંગતેલનું સીધું ગ્રાહકને વેચાણ પણ કરું છુ. આમ, સુભાસ પાલેકર પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ ઘટવાથી આવક વધારે મળે છે. જમીન સુધરે છે, ફળદ્રુપ્તામાં વધારો થાય છે, પર્યાવરણનું રક્ષણ થાય છે અને શુધ્ધ આહાર મળે છે.