ફૈલ્સપાર, ગિટ્ટી સહિતનું રો-મટીરીયલ હવે સરળતાથી ઉપલબ્ધ બન્યુ મોરબી : મોરબી સિરામીક કલસ્ટરને દિવાળી ભેટ રાજસ્થાન સરકારે આપી છે. છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી રાજસ્થાન સરકાર દ્વારા સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવતા રો-મટીરીયલ ઉપર પ્રતિબંધ લાદી દેતા મુશ્કેલી સર્જાઇ હતી પરંતુ હવે પ્રતિબંધ ઉઠી જતા આસાનીથી રાજસ્થાનથી આવતું રો-મટીરીયલ ઉપલબ્ધ બન્યુ છે. મોરબી સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં ડબલ ચાર્જ સહિતની ટાઇલ્સમાં ઉપયોગમાં લેવાતું ફૈલ્સપારના લમ્પસ, ગિટ્ટી, ગ્રેન, ચિપ્સ સહિતના ખનીજ ઉપર રાજસ્થાન સરકાર દ્વારા 10 માર્ચ 2019થી પ્રતિબંધ અમલી બનાવી રાજસ્થાન બહાર નિકાસ કરવા ઉપર પ્રતિબંધ લાદી દેતા મોરબી સિરામીક ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આ પ્રતિબંધને પગલે રાજસ્થાનથી કાચો માલ આવતો બંધ થયો હતો. દરમિયાન રાજસ્થાન સરકારના ખાણ ખનીજ અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ તા.4 ઓક્ટોબર 2021ની અવધિથી સમાપ્ત થઈ જતા હાલમાં મોરબીના સિરામીક એકમોને ફૈલ્સપારના લમ્પસ, ગિટ્ટી, ગ્રેન, ચિપ્સ સહિતના ખનીજ આસાનીથી મળવા લાગ્યા છે. મોરબી સિરામીક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ પણ રાજસ્થાનથી આવતા રો-મટીરીયલ ઉપરનો પ્રતિબંધ ઉઠી ગયો હોવાની વાતને સમર્થન આપ્યુ હતું અને પ્રતિબંધ ઉઠી જતા હવે આસાનીથી મોરબીના સિરામીક એકમોને જરૂરી ફૈલ્સપારના લમ્પસ, ગિટ્ટી, ગ્રેન, ચિપ્સ જેવા ખનીજ મળતા થયા હોવાનું જણાવ્યું હતું.