ચાલુ વર્ષે સર્વિસ રોડ ઉપર ગાબડામાં રીપેરીંગના નામે કરેલા થુંકના સાંધાની વરસાદે પોલ ખોલી નાખી, ઠેરઠેર સર્વિસ રોડ ઉપર ખાડામાં વરસાદી પાણી ભરાતા અને રબડીરાજથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડની હાલ વરસાદમાં એટલી હદે પથારી ફરી ગઈ છે કે, સર્વિસ રોડ ઉપર પડેલા ખાડામાં ભરેલા પાણીમાંથી અને રબડીરાજમાંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ પ્રિમોન્સૂનની કામગીરીના નામે પાણીના નિકાલની વ્યવસ્થા જ ન કરતા સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ રહેવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષે દહાડે કરોડોનો ટેક્સ ભરતા મોરબીવાસીઓને ખાસ કરીને નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર સુવિધાના નામે દુવિધાના જ ડામ આપાતા હોવાની ગંભીર પરિસ્થિતિ સામે આવી છે. મોરબી વાંકાનેર વચ્ચેના નેશનલ હાઇવે ઉપર લાલપર, મકનસર અને ઢુંવા સુધીના સર્વિસ રોડની દયનિય હાલત છે. જો કે ગયા વર્ષે ખરાબ હાલ થયા બાદ ચાલુ વર્ષે સર્વિસ રોડ ઉપર ગાબડામાં રીપેરીંગ કરવામાં આવ્યું હતું. પણ આ રીપેરીંગ થુંકના સાંધા જેવું જ હોવાનું સામાન્ય વરસાદમાં બહાર આવ્યું છે. હમણાં જ પડેલા વરસાદે તંત્રએ કરેલા રીપેરીંગની પોલ ખોલી નાખીને ફરી હતી એના કરતાંય બદતર સ્થિતિ કરી નાખી છે. નેશનલ હાઇવે ઉપર લાલપર, મકનસર શક્તિ ચેમ્બર, ત્રાજપર ચાર રસ્તા અને ઢુંવા સુધીના સર્વિસ રોડ ઉપર ભયંકર હદે ખાડા પડી ગયા છે. ઘણી જગ્યાએ ખાડામાં વરસાદના પાણી ભરાઈ રહે છે. નેશનલ હાઇવે ઓથોરિટીને જાણે ટોલ ટેક્સમાં જ રસ હોય અને વરસાદ પહેલા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરતા અને ગટરની પણ સફાઈ ન કરતા ઠેરઠેર સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા હોવાથી થોડે દુર પાણીને કારણે ખાડા ન દેખાતા વાહન ચાલકો એમાં ફસાઈ જાય છે. આથી તંત્ર કોરોડોનો ટોલ ટેક્સ વસુલવાની સાથે હાઇવે ઉપર લોકોને યોગ્ય સુવિધા આપે તેવી માંગ ઉઠી છે.