દેશને ઉધઈની જેમ કોરી ખાતાં 'ભ્રષ્ટાચાર'ને રોકવા 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં સચોટ ઉપાય આપતા ઉદ્યોગપતિ આકરા નિયમો, કડક પગલાં, પરિણામલક્ષી અભિગમ અને તત્કાળ નિર્ણય લેવાની ક્ષમતા વધારીને દેશને ખોખલો કરી દેનારાં ભ્રષ્ટાચારને નાથી શકાય તેમ છે મોરબી : દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી એમના જાહેર પ્રવચનોમાં કહેતાં કે ભારતની પ્રજાકીય યોજના માટે સરકારી તંત્રમાં ઉપરથી મોકલવામાં આવતાં એક રૂપિયામાંથી લોકોના હાથમાં માંડ પંદર પૈસા પહોંચે છે. આ છે ભારતીય ભ્રષ્ટ સરકારી વ્યવસ્થા તંત્રની કાર્ય પ્રણાલીનું વરવું વાસ્તવિક ઉદાહરણ! ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીને લેખના આરંભમાં યાદ કરી મોરબી સ્થિત અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલ પોતાના પુસ્તક 'સમસ્યા અને સમાધાન'માં દેશમાં ચોતરફ વ્યાપી ગયેલા ભ્રષ્ટાચારને નાથવા હાર્ડ ટ્રીટમેન્ટ અત્યંત આવશ્યક હોવાનું જણાવે છે. આપણા દેશમાં લાંચ અને રૂશ્વત એક બહુ જ સામાન્ય બાબત થઈ ગઈ છે. 'લાંચ' માગવામાં કે આપવામાં કોઈ જ પ્રકારનો હવે આપણા દેશમાં 'ક્ષોભ' નથી. આ 'લાંચ'નું ચકકર હવે તો એટલું અનિવાર્ય થઈ ગયું છે કે આપણા દેશમાં એકપણ 'ગર્વમેન્ટ ડિપાર્ટમેન્ટ'માં કોઈપણ કામ 'લાંચ' વગર કરાવવું એક સપનું બની ગયું છે. આ 'લાંચ'નું ચકકર આજથી થોડાં વર્ષો પહેલાં કોઈક કામ કરવા માટે અથવા 'ફેવર' કરવા અથવા વહેલું કરવા માટે લેવામાં આવતી હતી. પરંતુ હવે તો આ 'ભ્રષ્ટાચાર' કોઈ 'ફેવર' કરવાની જગ્યાએ 'ન નડવા' માટે માગવામાં આવે છે. આખો દેશ 'ભ્રષ્ટાચાર'થી ખદબદે છે. ભ્રષ્ટાચારના ભોરિંગે દેશને લકવાગ્રસ્ત કરી દીધો છે અને દેશ આખો 'ભ્રષ્ટાચાર'થી બરબાદ થઈ રહ્યો છે! 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં તેઓ લખે છે કે, 'ભ્રષ્ટાચાર' દરેક ક્ષેત્રમાં નાની પોસ્ટથી લઈને સેક્રેટરી, સચિવ અને છેક મિનિસ્ટર્સ સુધી 'વ્યાપક' રીતે વિસ્તારેલો છે. આજે આપણા દેશમાં કદાચ 95 ટકાથી વધારે સરકારી કર્મચારી, ઓફિસર, સેક્રેટરી અને રાજકારણીઓ 'ભ્રષ્ટાચાર'ની સિસ્ટમમાં સામેલ છે. આ 'ભ્રષ્ટાચાર' ઉપરથી નીચે આવે છે અને એ કારણે તમો કોઈપણ જગ્યાએ કોઈપણ 'પ્રકાર' ની ફરિયાદ, રજૂઆતો કરો તો પણ તેનો ઉકેલ આવતો નથી, કારણે કે આખેઆખી સિસ્ટમ 'ભ્રષ્ટાચાર'થી ખદબદે છે. તેમ કહી જયસુખભાઈ પટેલ ભ્રષ્ટાચારના કડવા સત્ય પર પ્રકાશ પાડે છે. પુસ્તકના લેખમાં 'ભ્રષ્ટાચારના ભોરિંગ ભરડામાંથી ભારત કયારે મુકત થશે?' તેની ચિંતા વ્યક્ત કરવાની સાથે જયસુખભાઈ પટેલ સમસ્યાના સમાધાનની પણ ચર્ચા કરે છે. જે મુજબ દરેક ગર્વમેન્ટ ડિપાર્ટમેન્ટમાં 'એકાઉન્ટીબિલિટી' અને દરેક કામનો સમય નકકી કરવો. જેથી, સમય મર્યાદામાં કામ ન કરે તો જવાબદાર વ્યક્તિને પેનલ્ટી કે સસ્પેન્ડ કરવા જેવી સજા, તેની સેલરી કાપવી યા તેને નીચેની પોસ્ટ ઉપર નિમણૂંક કરી દઈ શકાય. જયારે કોઈ ’ગર્વમેન્ટ’ ઓફિસર તરફથી ખોટા કેસ કે ખોટી ડિમાન્ડ કાઢીને લોકોને કોર્ટના ધકકાં, ચકકર કપાવેલાં હશે અને જો કેસ એ વ્યકિત જીતી જાય તો ખોટા કેસ કરવાવાળા પર પેનલ્ટી, કોર્ટનો ખર્ચ, સામેની વ્યક્તિ તરફથી કરવામાં આવેલા તમામ પ્રકારના ખર્ચ વગેરે તેના પગાર, ગ્રેચ્યુટી, પેન્શનમાંથી કાપવામાં આવવા જોઈએ. તેનું પ્રમોશન વગેરે બંધ થવું જોઈએ. જેથી, ખોટા કેસ થતા બંધ થશે અને ખોટી રીતે કરવામાં આવતો ભ્રષ્ટાચાર, ધાક-ધમકીઓ પણ બંધ થશે. આમ, થવાથી હાલ ભારતની 'કોર્ટ' પર દિવસે ને દિવસે ભારણ વધતું જાય છે તેના ઉપર પણ કંટ્રોલ આવશે. વધુમાં, આપણે 'ભ્રષ્ટાચાર'ને એક 'કેન્સર'ની જેમ હાર્ડ ટ્રીટમેન્ટ કરીશું તો જ એ કન્ટ્રોલમાં આવશે અને તેના માટે 'દૃઢ નિર્ણય' શક્તિની જરૂર રહે છે. આપણાં દેશમાં ભ્રષ્ટાચાર'ને જો આપણે ખતમ અથવા ઓછો કરવો હોય તો 'હાર્ડ' નિર્ણય સરકાર તરફથી લેવા પડશે. એમ કહી 'સમસ્યા અને સમાધાન' પુસ્તકમાં જયસુખભાઈ પટેલે નવ મુદ્દાઓ સૂચવેલા છે. જે પૈકી ત્રણ મુદ્દાઓ અહીં આપેલ છે, બાકીના ઉકેલો જાણવા માટે તો પુસ્તકના પાના જ ઉથલાવવા રહ્યા. અને છેલ્લે તેઓ ઉમેરે છે કે, આપણાં દેશને ભ્રષ્ટાચાર રૂપી ભોરિંગના ભરડામાંથી એક 'સરમુખત્યાર' જ મુક્ત કરી શકે અને આપણા દેશમાં આવી ખાસ જરૂર છે, તેમ કહી મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલ 'આપણે તથા આપણી સિસ્ટમ 'લોકશાહી'ને લાયક છે ખરી?' તેવો પ્રશ્ન તરતો મુક્યો છે જે પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ઘણું ઘણું કહી જાય છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..