પાંડવોએ માતા-પિતાનું પિતૃકાર્ય રફાળેશ્વર મંદિરે કર્યું હોવાની માન્યતામોરબી: આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. મોરબી જિલ્લાના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે મોરબી નજી રફાળેશ્વર ગામમાં આવેલા સુપ્રસિદ્ધ પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવી રહ્યા છે. સવારે આરતીનો લાભ લઈ ભક્તોએ મહાદેવનો જળાભિષેક સહિતની પૂજન-અર્ચનનો લાભ લીધો હતો.મંદિર પરિસરમાં આવેલા કુંડમાં સ્વયંભુ પાણી આવે છે. અને કુંડની બાજુમાં પીપળો છે જ્યાં લોકો પિતૃતર્પણ કાર્ય કરતાં હોય છે. દૂર દૂરથી ભક્તો રફાળેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. મંદિરમાં સવાર-સાંજ આરતી થાય છે. આ ઉપરાંત ભંડારાનું પણ વિશેષ આયોજન થતું હોય છે.મોરબીનું રફાળેશ્વર મહાદેવ મંદિર પાંડવો વખતનું આશરે 5 હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર પહેલા રિપુ ફાળેશ્વર તરીકે ઓળખાતું હતું. અમાસના દિવસે આ મંદિરે મેળો પણ ભરાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડતાં હોય છે. આ મંદિરે અમાસના દિવસે પિતૃતર્પણનો પણ મહિમા છે. મંદિરના પૂજારી મનહર ભારતી શંકર ભારતીએ જણાવ્યું હતું કે, એક જ મંદિરમાં બે લિંગ ઉત્પન્ન થયેલી હોય તેવા ભારતમાં બે જ મંદિરો છે જેમાંનું રફાળેશ્વર મંદિર એક છે. જ્યાં ભીમનાથ મહાદેવ અને રફાળેશ્વર મહાદેવ બિરાજમાન છે. પાંડવોએ પોતાના માતા-પિતાના પિતૃકાર્ય આ મંદિરે કર્યા હતા. રિપુ નામના રાજાએ 1080 વર્ષ પહેલા અહીંયા 1 વર્ષ ને 11 દિવસ તપ કર્યું અને લિંગ ઉત્પન્ન કરી. અહીંયા અમાસના દિવસે મેળો ભરાય ત્યારે પિતૃ મોક્ષ દિવસ હોય છે.રફાળેશ્વર મંદિરના કૈમલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો મંદિરે ભંડારો રાખવામાં આવે છે. કાળુભાઈએ જણાવ્યું હતું કે, રફાળેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસમાં અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. મેળાની પણ વ્યવસ્થા સારી રીતે કરવામાં આવે છે.