ટંકારા: ટંકારાની હિરાપર પ્રાથમિક શાળામાં 'સપ્તરંગી શનિવાર' અંતર્ગત અનોખી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. શાળાના આચાર્ય બેચરભાઈ ગોધાણી અને શિક્ષકો દ્વારા પ્રજ્ઞાવર્ગ ધોરણ 1 અને 2ના બાળકો માટે અવનવા શૈક્ષણિક રમકડાં તૈયાર કરવામાં આવે છે. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ બાળકોની કુતુહલ વૃત્તિને સચેત કરવી, તેમની જિજ્ઞાસા સંતોષવી અને તેમને શાળા પ્રત્યે અભિમુખ કરવાનો છે.શિક્ષણ વિભાગ દ્વારા લાગુ કરાયેલા પ્રજ્ઞા અભિગમ (પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન)ને આ શાળામાં ખરા અર્થમાં અનુસરવામાં આવે છે. બાળકોને પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન પીરસવામાં આવે છે, જેના વિડીયો શાળાની યુટ્યુબ ચેનલ દ્વારા ગુજરાતની અન્ય શાળાઓ સુધી પણ પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત, શિક્ષકે નાના બાળકો મોબાઈલમાં ગેમ્સ અને રીલ્સને બદલે જ્ઞાન મેળવી શકે તે માટે સો કરતાં વધુ ઓનલાઈન ઇન્ટરએક્ટિવ ગેમ્સ પણ બનાવી છે, જેનાથી રમતા રમતા વિવિધ વિષયોનું જ્ઞાન મેળવી શકાય છે. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓએ આ ગેમ્સનો લાભ લીધો છે.આચાર્ય બેચરભાઈ ગોધાણીના આ શિક્ષણ કાર્યની નોંધ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા પણ લેવામાં આવી છે. GCERTના માસિક પ્રકાશન 'જીવન શિક્ષણ'માં આ કાર્યને પ્રકાશિત કરીને ગુજરાતભરની આશરે 30,000 જેટલી સરકારી શાળાઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે. આ શિક્ષકે પોતાના વર્ગને જાતે ચિત્રકામ અને રંગકામ કરીને આકર્ષક અને ખરા અર્થમાં બાળમિત્ર વર્ગ પણ બનાવ્યો છે.