નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ભરાતા પાણીની સમસ્યા હલ કરવા કલેકટરે નેશનલ હાઈવે ઓથોરિટીને સૂચના આપી મોરબી : મોરબી તાલુકાના મકનસર તથા બંધુનગર ગામ પાસે આવેલ 8A નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈ મોરબી ખાતે જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી તથા નેશનલ હાઇવે ઓથોરિટી સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની આગેવાનીમાં ગામના આગેવાનો તથા સરપંચોએ હાજરી આપી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી.બેઠક દરમિયાન મકનસર ગામના સરપંચ અવચરભાઈ દેગામ, બંધુનગર ગામના સરપંચ શેલેશભાઈ દલસાણીયા, તથા બંધુનગર ગામના ઉપસરપંચ રમેશભાઈ ભાડજા, સામજિક યુવા આગેવાન ત્રિગુણભાઈ કૈલા, નૈમિશભાઈ પ્રજાપતિ અને ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે રજૂઆતને ગંભીરતાથી લઈ નેશનલ હાઇવે ઓથોરિટીને આ સમસ્યાનું કાયમી સોલ્યુશન લાવવા ગંભીરતાથી ચેતવણી આપી તથા જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.