દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે. સ્થૂળ શરીર અને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે. વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ આત્મા તરીકે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારનું જ્ઞાન આવે છે. આનાથી આંતરિક આનંદની પ્રાપ્તિ થાય છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આસો માસની અમાસ, વિક્રમ સંવતનો અંતિમ દિવસ એટલે દિવાળી. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે, પરંતુ તમામનો સાર એકસરખો છે - આંતરિક પ્રકાશનો આનંદ લેવો. દિવાળીના દિવસે લક્ષ્મીની પૂજા સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે અને આગામી વર્ષ સારુ જાય તે માટે તેમના આશીર્વાદ માગવામાં આવે છે. આધ્યાત્મિક સંદર્ભો મુજબ આ દિવસે બ્રહ્માંડમાં 'લક્ષ્મી-પંચાયતન' પ્રવેશે છે. શ્રી વિષ્ણુ, શ્રી ઈન્દ્ર, શ્રી કુબેર શ્રી ગજેન્દ્ર અને શ્રી લક્ષ્મી આ 'પંચાયતન' (પાંચનું જૂથ)ના સભ્યો છે. દિવાળીની પ્રચલિત કથા અનુસાર 14 વર્ષનો વનવાસ કરીને અને યુદ્ધમાં રાવણનો વધ કર્યા પછી અયોધ્યાના રાજા ભગવાન શ્રીરામ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમાં પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. ભગવાન રામે દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા. આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..