અહીં 35 વર્ષથી યોજાય છે મહાપ્રસાદ, આ વખતે 10000થી વધુ ભક્તોએ લીધો લાભ : મારૂતિ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 24 કલાકની રામધૂન અને ધ્વજારોહણ સહિતના ભવ્ય કાર્યક્રમો યોજાયામોરબી : મોરબીમાં વાવડી રોડ બાયપાસ ચોકડી પાસે ખારીવાડી વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાનજી મહારાજના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.મોરબી શહેર ભાજપના ઉપપ્રમુખ, નગરપાલિકાના પૂર્વ ચેરમેન માવજીભાઈ પ્રેમજીભાઈ કંઝારિયાએ જણાવ્યું હતું કે, આ મંદિરમાં બિરાજમાન હનુમાનજી દાદાની મૂર્તિ આશરે 50 વર્ષ જૂની છે. છેલ્લા 35 વર્ષથી અહીં હનુમાન જયંતિ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. અગાઉ અહીં બટુક ભોજન કરાવવામાં આવતું હતું, પરંતુ છેલ્લા 20 વર્ષથી સમગ્ર ખારીવાડી વિસ્તાર અને વાવડી રોડ પરથી પસાર થતા તમામ ભક્તો માટે મહાપ્રસાદ યોજવામાં આવે છે. આ વર્ષે પણ 10000 થી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.મહાપ્રસાદમાં ચોખ્ખા ઘીના લાડુ, દાળ, ભાત, ભજીયા, છાસ, પાપડ, પૂરી અને શાક પીરસવામાં આવ્યા હતા. આ ઉપરાંત સવારથી જ 24 કલાક માટે રામધૂન શરૂ કરવામાં આવી હતી, જેમાં 20 થી 40 સભ્યોના અલગ અલગ મહિલા અને પુરુષ ધૂન મંડળોએ પોતાની ઈચ્છા મુજબ સમય નોંધાવીને ભાગ લીધો હતો. બપોરે 11 થી 12 વાગ્યાની આસપાસ મંદિરના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને દાદાને નૈવેદ્ય ધરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખારીવાડી વિસ્તારના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. મારુતિ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે માવજીભાઈ કંઝારિયાએ તમામ લતાવાસીઓ, દર્શનાર્થીઓ અને કાર્યક્રમમાં સાથ-સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #HanumanJayanti #BhidbhanjanHanuman #VavdiRoad #MahaPrasad #MorbiNews #MarutiGausevaTrust