રેસ્ક્યુ માટે જેસીબીની અંદર લઈ જવા મચ્છુ નદીની મોટી પાળ તોડી પડવાની કામગીરી હાથ ધરાઈ મોરબી : મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટનામાં ચારેકોરથી રેસ્ક્યુ કરવા માટે વહીવટી તંત્ર, પોલીસ અને હવે એનડીઆરએફની ટીમ અથાક પ્રયાસો કરી રહી છે. ખાસ કરીને જ્યાં નદીની અંદર લોકો ડૂબ્યા હોય એને બચાવવા માટે જેસીબીથી રેસ્ક્યુ કરવા માટે ત્યાં નડતરરૂપ મચ્છુ નદીની મોટી પાળ તોડી પાડવામાં આવી છે. આજે મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પૂલ તૂટવાથી અનેક લોકો ડૂબી જતાં બચાવ કાર્ય ઝડપથી કરવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નદીની અંદર રેસ્ક્યુ કરવા માટે જેસીબી લઈ જવા માટે મચ્છુ નદીમાં બંધારા રૂપે બાંધવામાં આવેલી મોટો પાળ તોડી પાડવામાં આવી છે અને ત્યાં રેસ્ક્યુ કરવા માટે જેસીબીનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. હાલ મોરબીના ફાયર બ્રિગ્રેડે, મોટી સંખ્યામાં તરવૈયા અને હવે આર્મીની ટીમ પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ મોટી પાળ તોડી નાખ્યા બાદ અહીંથી જેસીબીની મદદથી ઝડપથી રાહત અને બચાવ કાર્ય થઈ શકશે.