હળવદ : કોરોના કાળમાં અનેક પરિવારના માળા વિખાયા છે કોરોનાએ અનેકનો ભોગ લીધો છે ત્યારે કોરોનામાં માવતર ગુમાવનાર બાળકોનું ભવિષ્ય અંધકારમય બની ન જાય અને આવા બાળકોનું શિક્ષણ ન ખોરવાઈ તે માટે હળવદની તક્ષશિલા સ્કુલ દ્વારા કોરોનામાં વાલી ગુમાવનાર બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. હળવદની તક્ષશિલા સ્કુલ દ્વારા ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કે જેમના માતા અથવા પિતા કે બન્ને અવસાન પામ્યા છે તેવા વિદ્યાર્થીઓની સ્કુલ ફી અને ટ્યુશન ફી જેટલા ધોરણ સુધી ભણે ત્યાં સુધી માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં જે વિદ્યાર્થીના માતા કે પિતા અથવા બન્ને કોઈનું પણ કોરોનાને કારણે અવસાન થયું હોય તો તેવા સમગ્ર ગુજરાતમાંથી કોઈપણ વિદ્યાર્થી તક્ષશિલા સ્કુલની આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા તક્ષશિલા સ્કુલ દ્રારા બહાર પડેલ ફોર્મ ભરી જરુરી આધારો સાથે ૩૦ જુન સુધીમાં અરજી કરવાની રહેશે. તેમ તક્ષશિલા સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટરએ જણાવ્યું હતુ.