હળવદ જેવા શહેરમાંથી બાળકો ગામડાની મેરૂપર પે સેન્ટર શાળામાં ભણવા આવે છે મોરબી : મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના મેરૂપર ગામમાં આવેલી પે સેન્ટર શાળાને નંદનવન કહીએ કે વિદ્યાનું ઉપવન કોઈ પણ ઉપમા ટુંકી પડે. એક સમય હતો જ્યારે સરકારી શાળાઓના ભવનો કે ત્યાંની પ્રવૃત્તિઓ સીમિત હતી. જયારે આજે સરકારના અનેક ઉમદા અભિગમો અને વિદ્યાલક્ષી યોજનાઓ થકી સરકારી શાળાઓએ આધુનિક ખાનગી શાળાઓને પણ પાછળ છોડી દીધી છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મેરૂપર પે સેન્ટર શાળા છે. ૦૯/૧૧/૧૯૫૪ માં ૭૦ થી ૮૦ બાળકો સાથે શરૂ થયેલી મેરૂપર પ્રાથમિક શાળામાં આજે ૨૯૪ વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભણવા આવે છે. શાળાનું ભણતર, વાતાવરણ અને અન્ય પ્રવૃત્તિઓ એટલી ઉત્તમ છે કે, હળવદ જેવા શહેરમાંથી પણ બાળકો અહીં ગામડાની સ્કૂલમાં અભ્યાસ કરવા આવે છે. વિવિધ અદ્યતન સુવિધાઓથી સજ્જ આ શાળામાં શિક્ષણ આપવાની પદ્ધતિ પણ કંઈક વિશેષ છે. અહીંના શિક્ષકો બાળકો સાથે બાળક બની તેમની અંદર શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરે છે. સરકારના સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં ત્રણ ડિજિટલ સુવિધાસભર વર્ગો આવેલા છે. જ્યાં શિક્ષકો ડિજિટલ બોર્ડની મદદથી બાળકોને સાવ સરળતાથી અને પ્રેક્ટીકલ ઉદાહરણો સાથે જ્ઞાનનું ભાથુ પીરસે છે. તો સરકારના જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અને પ્રજ્ઞા અભિગમ અંતર્ગત પણ સવિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. નાના બાળકોને અહીંના શિક્ષકો બાળક બની તેમની સાથે હસતા ગાતા જ્ઞાનકુંજ વર્ગના વિવિધ પ્રસાધનોની મદદથી ગમ્મત સાથે જ્ઞાન આપે છે. શાળામાં એ.સી.થી સજ્જ વિશાળ કોમ્પ્યુટર લેબ પણ આવેલી છે જ્યાં બાળકો કોમ્પ્યુટરને લગતું શિક્ષણ પણ મેળવે છે. વિશાળ રિસોર્ટ કે ઉદ્યાન જેવું લાગતું આ શાળાનું કેમ્પસ સંપૂર્ણ સીસીટીવીથી સજ્જ છે. તો શાળાના તમામ વર્ગોમાં આચાર્ય કક્ષથી મોનિટરિંગ કરી શકાય તેવા ઓડિયો સ્પીકરની મદદથી કનેક્ટિવિટી નેટવર્ક પણ ઊભું કરાયું છે જેની મદદથી આચાર્ય કોઈપણ વર્ગને સીધી સૂચના કે માર્ગદર્શન આપી શકે છે. શાળામાં અદ્યતન વિજ્ઞાન લેબ પણ આવેલી છે જેથી વિદ્યાર્થીઓ વિજ્ઞાનના વિષયમાં ઉંડો રસ કેળવી સરળતાથી શીખી શકે. સંગીતના શિક્ષણ માટે તેમજ આનંદ-પ્રમોદ માટે અહીં સંગીતના સાધનો પણ વસાવેલા છે. શાળાનું સમગ્ર કેમ્પસ વિવિધ ભીંતચિત્રોથી રંગાયેલું છે જેમાં દેશના વિવિધ રાજ્યના નામથી માંડીને નાનામાં નાની બાબતોને સાંકળી લેવામાં આવી છે. ઋષિ પરંપરા યાદ અપાવે એવી એક વન કુટીર પણ શાળામાં આવેલી છે, જ્યાં શિક્ષકો બાળકોને ગાતા ગાતા કે નૃત્ય કરતા કરતા કવિતાઓ કે અન્ય કોઈ પાઠ યાદ કરાવતા નજરે પડે. શાળામાં એક પુસ્તકાલય પણ બનાવવામાં આવ્યું છે જ્યાં બેસીને બાળકો અભ્યાસક્રમના પુસ્તકોનો તો અભ્યાસ કરે જ છે સાથે સાથે પૂરક વાંચન કરીને પણ વાંચન રસ કેળવે છે. વિદ્યાર્થીઓને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે. બાળકોને જમવા માટે પંખા સાથેનો શેડ પણ બનાવવામાં આવ્યો છે. મેરૂપરની આ શાળા, શાળા કરતા કોઈ હરિયાળું રિસોર્ટ કે બાગ વધુ લાગે. આમ તો એ બાળ પુષ્પોથી મહેકતું બાગ જ છે જ્યાં સરકારની એક બાળ એક ઝાડ પહેલ મુજબ દરેક બાળકને એક એક છોડ કે ઝાડ સોંપવામાં આવેલ છે. જે છોડ કે ઝાડની બાળકો જ પાણી ખાતર ઇત્યાદી આપી માવજત કરે છે અને ઉછેરે છે. શાળાની અંદર જ એક બોર્ડ મારેલું છે: ‘ગો ગ્રીન - મારી શાળા હરિયાળી શાળા’ જે શાળાનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરે છે. શાળાના કેમ્પસમાં ૧૨૦૦ થી વધુ વૃક્ષો આવેલા છે. જેમાં પેન્ટો, ગરમાળો, ઉંબરો, સપ્તપર્ણી, નાળિયેરી, બોટમપામ, કરેણ, કણજી(કરંજ), ગુલમોહર, લીમડો, બદામ, પીપળો, વડ, ચાર પ્રકારની મહેંદી વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત શાળામાં એક ઔષધી બાગ આવેલું છે તથા શાળાએ પોતાનું આગવું કીચન ગાર્ડન પણ વિકસાવ્યું છે જેમાં પ્રાકૃતિક ખેતીથી ઉગતી શાકભાજીનો મધ્યાહન ભોજનની વાનગીઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. શાળા દ્વારા શાળા નર્સરી જેવી પણ એક પહેલ કરવામાં આવી છે જેમાં શાળા દ્વારા રોપાઓ ઉછેરી તેને વિનામૂલ્યે ગ્રામજનોને વિતરણ કરવામાં આવે છે. સ્વચ્છતાના મુદ્દે પણ શાળા એક્કો છે. શાળા કેમ્પસમાં ક્યાંય પણ કચરો જોવા ન મળે, જેથી તો આ શાળાને સ્વચ્છતા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શાળાના પ્રાંગણમાં પડીકા લઈ આવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી બાળકો ઘરનું બનાવેલું જ પૌષ્ટિક આહાર નાસ્તામાં લાવે છે. ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં’ છે એમ અહીં કહી શકાય કે, ‘શાળાનું પાણી શાળામાં’. અહીં વરસાદના પાણીનો એક ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે. ૫૦ હજાર લીટરની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ ટાંકાના પાણીનો ઉપયોગ ગાર્ડનિંગ માટે તેમજ ફિલ્ટર કરીને પીવા માટે કરવામાં આવે છે. બાળકોનો યોગ્ય માનસિક અને શારીરિક વિકાસ થાય તે માટે શાળા કક્ષાએ જ 'ભાર વિનાનું ભણતર’ એવી એક નવી પહેલ કરવામાં આવી છે. મેરૂપર શાળામાં અભ્યાસને સરળ બનાવવા માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સૌપ્રથમ તો બાળકોમાં નૈતિકતા કેળવાય અને આગળ જતા તેઓ જવાબદાર નાગરિક બને તે માટે શાળા કક્ષાએ વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે. સમિતિના સભ્યો બાળકો જ હોય છે જેમના દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવે છે. શાળામાં બાળ સંસદની ચૂંટણી કરીને અથવા તો સ્વૈચ્છિક રીતે બાગાયત સમિતિ, પ્રાર્થના સમિતિ, પાણી સમિતિ, સફાઈ સમિતિ, આરોગ્ય સમિતિ, મધ્યાહન ભોજન સમિતિ, સાંસ્કૃતિક સમિતિ અને પુસ્તકાલય સમિતિ એમ વિવિધ સમિતિની રચના કરવામાં આવે છે જે દ્વારા બાળકો વિવિધ જવાબદારીઓ લેતા શીખે છે. શાળામાં વાર-તહેવારે વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. સૌથી વિશેષ શાળાઓના પ્રાંગણમાં પગ મુકતા જ ધ્યાન કેન્દ્રિત કરે એવી એક વસ્તુ છે ચબૂતરો. જ્યાં લખ્યું છે, ‘આવો ને ચકલા આવો પારેવા ચોકમાં દાણા નાખ્યા છે’. શાળા કેમ્પસમાં તમને ઘણા બધા ચકલીના માળાઓ પાણી પીવાના કુંડાઓ જોવા મળે. તો ચબૂતરા ઉપર પણ પક્ષીઓનો કલરવ સંભળાયા જ કરે જ્યાં તેમના માટે ચણ પણ નાખવામાં આવે છે. આ પક્ષીઓના ચણ માટે શાળા દ્વારા એક ‘અક્ષરપાત્ર’ કરીને પહેલ કરવામાં આવી છે. જ્યાં બાળકો જ અઠવાડિયે એક વાર ઘરેથી મુઠ્ઠી ચણ લઈ અને ત્યાં...