અદાણીના પ્લાન્ટની બાજુમાં દરિયાની કેનાલમાં ચાર દિવસ પહેલા યુવાને ઝંપલાવીને આપઘાત કર્યો : હજુ સુધી લાશનો પત્તો ન મળ્યો હળવદ : મુન્દ્રા ખાતે અદાણીના સોલાર પ્લાન્ટમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હળવદના પાંડાતીરથ ગામના ચિરાગ હસમુખભાઈ કુરિયા ઉ.વ.23 નામનો યુવાને ગત તા.4 ને શનિવારે મોડી સાંજે અદાણીના પ્લાન્ટની બાજુમાં દરિયાની કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ બનાવને ચાર દિવસ વિત્યા હોવા છતાં હજુ સુધી લાશનો પત્તો લાગ્યો નથી. મુન્દ્રા ખાતે અદાણીના સોલાર પ્લાન્ટ પાસે હળવદના પાંડાતીરથ ગામના યુવાને આપઘાત કરી લીધાની મુદ્રા પોલીસે હળવદ પોલીસને જાણ કરી હતી. આથી, હળવદ પોલીસે આ બનાવની પાંડાતીરથ ગામના મહિલા સરપંચના પતિ ગુલાબ સિંહ અશ્વારને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં મૃતક યુવાનના પરિવારજનો અને સરપંચ મુદ્રાના અદાણીના સોલાર પ્લાન્ટ ખાતે દોડી ગયા હતા. જોકે આ બનાવને ચાર દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી યુવાનની લાશ મળી નથી. આ બનાવ મામલે સ્થાનિક એજન્સીઓ યોગ્ય સાથ સહકાર આપતા ન હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. આથી, મૃતકના પરિવારજનો સંબધિત તંત્ર સમક્ષ યુવાનની ભાળ મેળવવા ભારે કાકલૂદી કરી રહ્યો છે.