ગ્રામ પંચાયતના સાતમાંથી છ સભ્યોએ અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર કરીને સરપંચને હટાવ્યા, તાલુકા વિકાસ અધિકારીએ હાલ સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપ્યો હળવદ : હળવદ તાલુકાના મંગળપુર ગામે ગઈકાલે ગ્રામ પંચાયતના સભ્યોની બેઠક યોજાઇ હતી. સાથે જ આ બેઠકમાં પંચાયતના સાત સભ્યોમાંથી છ સભ્યો દ્વારા મહિલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકતા બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી. જેથી, મહિલા સરપંચને સરપંચ પદેથી હટાવવામાં આવ્યા છે. જ્યારે સરપંચનો ચાર્જ મહિલા ઉપસરપંચને સોપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હળવદ તાલુકાના મંગળપુર ગ્રામ પંચાયતમાં પાછલા કેટલાક દિવસોથી સરપંચ અને સભ્યો વચ્ચે જામતી નહોતી. સાથે જ ગ્રામ પંચાયતના સાત સભ્યોમાંથી છ સભ્યો દ્વારા અગાઉ રજૂઆત પણ કરવામાં આવી હતી કે સરપંચ દ્વારા પંચાયતનો વહીવટ અયોગ્ય અને પોતાની મનમાની ચલાવે છે. જેથી, તેઓને સરપંચ પદેથી હટાવવામાં આવે છે. જેને લઈ ગઈ કાલે ગ્રામ પંચાયતની બેઠક મળી હતી. જેમાં સાત સભ્યોમાંથી છ સભ્યો દ્વારા મહિલા સરપંચ અનસોયાબેન સમરતભાઇ નગવાડીયા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જે બહુમતીથી પસાર થતા મહિલા સરપંચને સરપંચ પદેથી હટાવવામાં આવ્યા હતા.