રૂપિયા 2598.47 લાખના ખર્ચે 17 કિલોમીટરથી વધુનો રોડ સરકારી ફાઈલોમાં ધૂળ ખાય છે: હળવદ : માર્ગ અને મકાન વિભાગ દ્વારા સી.આર.એફ. યોજના હેઠળ હળવદ તાલુકાના સુરવદર, દેવળીયા, ચરાડવા રોડને ફેબ્રુઆરી 2019માં મંજૂરી મળી હોવા છતાં હજુ આ રોડ સરકારી ખાતાની ફાઈલોમાં જ અટવાઈને પડ્યો હોય સ્થાનિકોની વર્ષો જૂની અગવડતાનો અંત હવે ક્યારે આવશે એ વિશે લોકો આશંકા સેવતા થઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગનો હવાલો ધરાવતા નીતિન પટેલે 25 ફેબ્રુઆરી 2019ના રોજ હળવદના સુરવદર, દેવળીયા, ચરાડવા સુધીના 17.70 કિલોમીટરના માર્ગને મંજુરી આપી હતી. આશરે રૂપિયા 2598.47 લાખના અંદાજીત ખર્ચે બનનાર આ માર્ગ માટે આગળની પ્રક્રિયા હાથ ધરવા સંબંધિત કાર્યપાલક ઈજનેરને સૂચના અપાઈ ગઈ હતી. સી.આર.એફ યોજના હેઠળ આ માર્ગના નવીનીકરણને મંજુર કરવામાં આવ્યો હતો. જો કે, બે વર્ષથી વધુ સમય થવા છતાં આ માર્ગ હજુ સરકારી કચેરીઓની ફાઈલોમાં અટવાયેલો જ પડ્યો હોય લોકો માર્ગના નવીનીકરણ માટે આશંકા સેવી રહ્યા છે. સંબંધિત વિભાગોને માર્ગ મંજુર થયો ત્યારે સૂચિત કરાયા હતા. આ ઉપરાંત મોહનભાઈ કુંડારીયા, પરસોત્તમ સાબરીયા, જયંતીભાઈ કવાડિયા, દેવરાજભાઈ સખીયા, રજનીભાઇ સંઘાણી સહિતના રાજકીય અગ્રણીઓને પણ રોડ મંજુર થયો હોવાની જાણકારી અપાઈ હતી. જો કે, આ તમામ નેતાઓ પણ 2019માં મંજુર થયેલ રોડનું કામ કરવાનું વિસરી ગયા હોય એવું જણાઈ રહ્યું છે.