વિવિધ સંસ્થાઓએ શ્રમિક પરિવારોને સિમેન્ટના પતરા, રાશનની કીટ ઘરવખરીનો સામાન આપી મદદ કરી હળવદ : હળવદના જી.આઈ.ડી.સી.માં આવેલ 220 સબ સ્ટેશનની બાજુમાં સાત જેટલા ઝૂંપડામાં આગ લાગતા આ સાતેય ઝુંપડા સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયા હતા. જેથી શ્રમીક પરિવારને ઉપર આભ અને નીચે ધરતી જ માત્ર આધાર રહ્યો હતો. આવા સમયે હળવદ રોટરી ક્લબ, હળવદ બજરંગ યુવા ગ્રુપ અને હળવદ શહેર યુવા ભાજપ દ્વારા આ શ્રમિક પરિવારો ફરીથી વ્યવસ્થિત રીતના રહેણાંક બનાવી શકે તે માટે થઈને તમામ વસ્તુઓ અને રાસન કીટ આપવામાં આવી હતી. હળવદના જી.આઈ.ડી.સી.માં આવેલ 220 સબ સ્ટેશનની બાજુમાં આવેલ ઝૂંપટપટ્ટીમાં વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આગની દુર્ઘટના સર્જાઈ હતી. આ આગની દુર્ઘટનામાં સાતેક જેટલા ઝુંપડા ભસ્મીભૂત થઈ ગયા હતા અને ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી નાશ પામી હતી. આથી, આ ઝુંપડાના શ્રમિક.પરિવારો નોંધારા બની ગયા હતા. ત્યારે વિસ્થાપિત બનેલા આ શ્રમિક પરિવારો ફરી મકાનમાં વસવાટ કરી શકે તે માટે તેમને સહાયરૂપ થવા વિવિધ સંસ્થાઓ આગળ આવી હતી અને બજરંગ યુવા ગ્રૂપ દ્વારા શ્રમિક પરિવારોને અનાજની કીટ આપવામાં આવી હતી. તેમજ રોટરી કલબ હળવદ દ્વારા મજબૂત ઝુંપડા બનાવવાનો સર સમાન અને અનાજની કીટ આપવામાં આવી હતી. તથા યુવા ભાજપની ટીમ દ્વારા વિસ્થાપિત સાતેય પરિવારને સિમેન્ટના પતરા આપવામાં આવ્યા હતા. આથી આ શ્રમિક પરિવારો પુનઃવસવાટ કરી શકશે.