સારા-માઠા પ્રસંગોમાં વધુ ભીડ એકત્ર નહિ કરી સરકારની ગાઈડલાઈનને અનુસરવાની અપીલ હળવદ : હળવદ પંથકમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. ત્યારે હળવદ રબારી (પરગણા) સમાજ દ્વારા સમાજના લોકો માટે કોરોના સંદર્ભે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં સારા-માઠા પ્રસંગોમાં વધુ ભીડ એકત્ર નહિ કરી સરકારની ગાઈડલાઈનને અનુસરવાની અપીલ કરવામાં આવી છે. હળવદમાં રબારી (પરગણા) સમાજના દેહાઈ જયેશભાઈ રબારી દ્વારા કોરોનાના વધતા જતા કહેરને લઈને સમાજના લોકો કોરોના સંક્રમણથી બચે તે માટે એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કોરોના મહામારીએ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેના પગલે રબારી સમાજના લોકો પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે રબારી સમાજના લોકો વધુ કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે સમાજમાં જે પરિવારમાં મરણ કે ઉતરક્રિયાનો પ્રસંગ હોય તેમાં સરકારે આપેલી છૂટ મુજબ 50 જ લોકોને એકઠા કરવા, લગ્ન પ્રસંગ, સામાજિક કે ધાર્મિક પ્રસંગ બને ત્યાં સુધી હાલ પૂરતા ટાળવા, તેમ છતાં અનિવાર્ય સંજોગોમાં આ પ્રસંગો યોજવા પડે તો તેમાં વધુ ભીડ નહિ એકત્ર કરી સરકારની ગાઈડલાઈનને અનુસરવાની અપીલ કરી છે.