રાતાભેર નજીકથી ત્રણ માટી ભરેલા અને માથક નજીકથી એક રેતી ભરેલ ડમ્પરને કબ્જે લેવાયું હળવદ : અંતે ખનીજચોરો સામે હળવદ પોલીસે લાલઆંખ કરી છે, ગત મોડીરાત્રે હળવદ તાલુકાના રાતાભેર ગામ પાસેથી પોલીસે ગેરકાયદેસર સફેદ માટી ભરી પસાર થઈ રહેલ ત્રણ ડમ્પરને ઝડપી લીધા હતા જ્યારે માથકથી સુંદરી ભવાની જવાના રોડ પરથી એક રેતી ભરેલા ડમ્પરને ઝડપી લઇ ચારેય ડમ્પર માલિકો વિરુદ્ધ ખાણ ખનીજનો મેમો આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.જાણવા મળતી વિગતો મુજબ ગત મોડીરાત્રે હળવદ પોલીસ મથકના પી.આઈ ડી.એમ ઢોલ નાઈટ પેટ્રોલિંગમાં હોય ત્યારે રાતાભેર ગામ પાસે મુળી તરફથી ગેરકાયદેસર સફેદ માટી ભરી મોરબી તરફ જઈ રહેલ ડમ્પર જીજે-૧૩-એએક્સ-૫૨૦૨,જીજે -૩૬-વી-૯૦૨૬,જીજે-૩૬-વી-૭૪૫૪ને સફેદ માટી સાથે ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા ત્રણેય ડમ્પરમાંથી કુલ ૧૧૦ ટન સફેદ માટી અને ડમ્પરને સીઝ કરી ખાણ ખનીજનો મેમો ફટકારવામાં આવ્યો હતો.જ્યારે માથકથી સુંદરી ભવાની જવાના રોડ પર જીજે ૩૬- એક્સ ૪૩૪૫ નંબરના ડમ્પરને ગેરકાયદેસર રેતી સાથે ઝડપી લઇ ૫૫ ટન રેતી અને ડમ્પરને સીઝ કરી તેને પણ ખનીજનો મેમો ફટકારવામાં આવ્યો હતો.