મગફળી કેન્દ્ર ૧૩ તારીખે રાબેતા મુજબ ખુલશે હળવદ : રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાત મધ્ય અને દક્ષિણ તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તા. ૧૦થી ૧૨ ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદની આગાહીને પગલે હળવદ માર્કેટ યાર્ડમાં ચાલતા મગફળી ખરીદી કેન્દ્રને આજથી ૧૨ તારીખ સુધી બંધ કરવામાં આવ્યું છે. જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવા તથા સાથે જ તારીખ ૧૩ના રોજ રાબેતા મુજબ ચાલુ થશે તેમ જાણવા મળ્યું છે. વધુમાં, જાણવા મળતી વિગતો મુજબ હળવદમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ૩૦૨૭ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં ૧૫૦૦ ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જ્યારે ૬૦૦ ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી છે. એટલે કે ૪૩ હજાર ગુણી મગફળી લેવામાં આવી છે. ત્રણ દિવસ ખેત પેદાશ ખુલ્લામાં ન રાખવા હળવદ માર્કેટ યાર્ડની ખેડૂતોને અપીલ હવામાન વિભાગની આગાહીને પગલે મળેલ સૂચના અન્વયે આગામી ત્રણ દિવસ એટલે કે તારીખ ૧૦, ૧૧ અને ૧૨ના રોજ કમોસમી વરસાદ પડવાની સંભાવના હોય. જેથી, દરેક ખેડૂતએ અને વેપારીઓએ ખેતપેદાશને સુરક્ષિત જગ્યાએ રાખવા હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઇ પટેલએ અપીલ કરી છે.