ભારતીય ટેલિગ્રાફ એક્ટ મુજબ લાઈન પ્રસ્થાપિત કરવાના પ્રોસિડિંગ અધિક કલેક્ટરને બદલે જિલ્લા મેજિસ્ટ્રેટ ચલાવે તેવી માંગ હળવદ : હળવદ વિસ્તારના ખેડૂતોના ખેતરમાંથી હાલમાં લાકડીયા-વડોદરા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ હેઠળ વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને કંપનીના કર્મચારીઓ આ કાર્યવાહીમાં પોલીસનો ભય બતાવી દબાણ કરી રહ્યા હોવાનો આરોપ લગાવી હળવદના ખેડૂતો દ્વારા જિલ્લા કલકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથોસાથ આ પ્રોજેક્ટમાં નિયમ મુજબ પ્રોસિડિંગ જિલ્લા મેજીસ્ટ્રેટને ચલાવવા જોઈએ તેના બદલે અધિક કલકટર અને નાયબ કલેકટર ચલાવી રહ્યા હોય તેની સામે પણ વાંધો લેવામાં આવ્યો છે. હાલમાં હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં લાકડીયા વડોદરા ૭૬૬ કે.વી. (લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન પ્રોજેકટ લી.) દ્વારા ટ્રાન્સમીશન લાઈન પ્રસ્થાપિત કરવા માટે ભારતીય ટેલીગ્રાફ એકટ-૧૮૮૫ તથા ભારતીય વિદ્યુત અધિનિયમ-૧૮૮૫ મુજબ ટ્રાન્સમીશન લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જમીન સંપાદન તથા વળતરને લઈ ખેડૂતોને અન્યાય થઇ રહયો હોવાનું જણાવી ખેડૂતો દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વધુમાં, આ રજુઆતમાં જણાવાયું હતું કે હાલમાં લાકડીયા વડોદરા ટ્રાન્સમીશન પ્રોજેકટ લીની લાઈનો પ્રસ્થાપિત કરવાની કામગીરીમાં ભારતીય ટેલીગ્રાફ એકટ-૧૮૮૫ તથા ભારતીય વિદ્યુત અધિનિયમ-૧૮૮૫ મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટને પ્રોસિડિંગ કરવાની જોગવાઈ હોવા છતાં નાયબ કલેકટર અને અધિક કલકટર દ્વારા કરવામાં આવી રહી છે. જેની સામે વાંધો હોવાનું જણાવી તમામ પ્રોસિડિંગ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવે તેવી માંગ પણ હળવદના ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી હતી. રજૂઆતના અંતે ખેડૂતો દ્વારા હાલમાં લાકડીયા પ્રોજેક્ટની લાઈનો નાખવામાં કંપની દ્વારા પોલીસનો ભય બતાવી અન્યાયી વલણ અખત્યાર કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ કરી સત્વરે આ પ્રોજેક્ટમાં ખેડૂતોને ન્યાય મળે તેવી રજુઆત કરવામાં આવી હતી.