હળવદ : કેન્દ્ર સરકાર દ્વારા અમેરીકાથી આયાત થતાં કપાસ પર 11 ટકા લગાડેલી આયાત ડ્યુટી રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. જેને લઈને દેશભરના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે હળવદના ખેડૂતોએ મામલતદારને લેખિત રજૂઆત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ આયાત ડ્યુટી રદ્દ કરવાનો નિર્ણય પરત ખેંચી લેવા જણાવ્યું છે.ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, એક તરફ અમેરીકાએ ભારતની ચીજવસ્તુઓ પર 50 ટકા ટેરીફ લગાડ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં અમેરિકાથી આયાત થતાં કપાસ પર 11 ટકા લગાડેલી આયાત ડ્યુટી હતી જે રદ્દ કરી છે અને સાથે તેના પર લગાડેલો સેસ પર નાબુદ કર્યો છે. જો સરકાર દ્વારા અમેરિકી કપાસને ભારતમાં ઘુસાડવા માટે મંજૂરી આપી શકે તો ખેડૂતોને જરૂરી ખાતર આયાત કરવાનું અને વિતરણ કરવાનું હોય તો કેમ નથી કરવામાં આવતું ? જો અમેરિકાનો કપાસ ભારતમાં આવશે તો ભારતીય ખેડૂતોના કપાસના ભાવ ઘટશે. એક તરફ વડાપ્રધાન ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે પરંતુ હકીકતમાં આવક ઘટી છે. જો આયાત ડ્યુટી રદ્દ કરવાનો નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો ખેડૂતો દેશભરમાંથી સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર વિરોધ કરશે અને તેમ છતાં સરકાર નહીં માને તો ભગતસિંહની જેમ હક માટે લડી લેવાની તૈયારી પણ ખેડૂતોએ દર્શાવી છે.