પ્રમુખ, ઉપપ્રમુખ, સંગઠન મંત્રી અને મેનેજીંગ ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવી હળવદ : હળવદ તાલુકા ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના વડીલો અને આગેવાનો હાજર રહ્યા હતા અને સર્વાનુમતે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. હળવદ શહેરમાં આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે ચારણ ગઢવી સમાજની એક બેઠક યોજાઇ હતી. જેમાં હળવદ તાલુકા ચારણ ગઢવી સમાજના પ્રમુખ તરીકે સર્વાનુમતે જયરાજસિંહ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદે મેહુલભાઈ દાંતીની નિમણૂક કરાઇ છે. તેમજ સંગઠન મંત્રી તરીકે હકાભા રોહડીયા, મેનેજીંગ ટ્રસ્ટી તરીકે ભુપતભાઈ રોહડિયાની પસંદગી કરાઈ છે. તેમજ લાભુભાઈ રોહડિયા, ગોપાલભાઈ ટાપરિયા, યોગેશદાન મહેડુ, હિતુભા લાળસ, નિરૂભા ખડિયા, ઉદેસિંહભાઇ અને ભગીરથદાનની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાઈ હતી. આ ઉપરાંત, બે વર્ષ પછી મીટીંગ બોલાવી ફરીથી નવી નિમણૂક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે બાબતનો ઠરાવ પણ આ બેઠક દરમિયાન કરવામાં આવ્યો હતો. તેમજ નવનિયુક્ત હોદ્દેદારોએ બેઠક દરમિયાન સમાજના હાજર રહેલ લોકોને જણાવ્યું હતું કે હવે આપણે સૌ સાથે મળીને ખભે ખભો મિલાવીને કામ કરવાનું છે અને હળવદમાં આઈશ્રી સોનલમાના ભવ્ય મંદિર નિર્માણ માટે જે બને તે રીતે ભંડોળ ઉભું થાય તેવા પ્રયત્નો કરવાના છે. ઉલ્લેખનીય છે કે તમામ સભ્યોના ૧૧૦૦૦ રૂ. સભ્ય ફી તરીકે નક્કી કરવામાં આવી છે.