હળવદ : બાબા બુઢા અમરનાથ યાત્રામાં દર વર્ષે ભારતભરમાંથી લાખો ભાવિકો જોડાઈ બાબાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે ત્યારે આ યાત્રાના રાષ્ટ્રીય સંયોજક તરીકે હળવદના અગ્રણીની નિમણુક કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ પ્રેરિત બુઢા બાબા અમરનાથ યાત્રા - ૨૦૨૨ના રાષ્ટ્રીય સંયોજક તરીકે હળવદના કાર્યકર્તા ભાવેશભાઈ ઠક્કરને જવાબદારી સોંપવામાં આવી છે. આ યાત્રમાં ભારતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ બાબાના દર્શન માટે આવે છે અને દેશની શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ યાત્રા કલમ 370 અને કોરોનાના લીધે યોજાઈ શકી ન હતી ત્યારે આ વર્ષે ભવ્યાતિભવ્ય અને દિવ્યતિદિવ્ય ધામધૂમ પૂર્વક આ યાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સમગ્ર યાત્રાના આયોજન માટેના રાષ્ટ્રીય સંયોજક તરીકે ગુજરાત ક્ષેત્ર બજરંગદળ સંયોજક અને પ્રખર ગૌભકત સેવાભાવી યુવાન ભાવેશભાઈ ઠક્કરને જવાબદારી પ્રાપ્ત થતા હળવદ સહિત ગુજરાતભર ના બજરંગદળના કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.