હળવદ : હળવદ તાલુકાના જુના દેવળિયા કુમાર પ્રાથમિક શાળા ખાતે ધનાળા સીઆરસી કક્ષાનું બાળ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં સીઆરસીમાં સમાવિષ્ઠ 11 પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી વિવિધ મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં હળવદ બીઆરસી કો. ઓર્ડિનેટર મિલનભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રફુલભાઈ નાયકપરાએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આમંત્રિત મહેમાનો દ્વારા બાળકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રદર્શનમાં કુલ 11 પ્રાથમિક શાળામાંથી 34 અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી. જેમાં નેટ હાઉસ, સોલાર રૂફટોપ, સોલાર પેનલ, લિફટ, ગાણિતિક મોડેલ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ તમામ આયોજન ધનાળા સીઆરસી કો. ઓર્ડિનેટર દિનેશભાઈ પટેલ અને જુના દેવળિયા કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય સાગરભાઈ મહેતા તથા શાળાના સ્ટાફમિત્રો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું.