હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામના ખેડૂતનુ એકાદ મહિના પહેલા કડીયાણા ગામ નજીક કેનાલ પાસે બાઇક સ્લીપ ખાઈ જતા અકસ્માતે મૃત્યુ નીપજ્યું હતું. જેથી આ પરિવારના વારસદારોને હળવદ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ રૂપિયા 50 હજારનો ચેક આપવામાં આવ્યો હતો.હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા રતાભાઇ ગોરધનભાઈ દલસાણીયા ઉમર વર્ષ-32 કે જેઓનું બાઈક ગત તારીખ-૩૦-૯-૨૦૨૩ના રોજ કડીયાણા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ નજીક સ્લીપ ખાઈ જતા રતાભાઇનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું રતાભાઇના મોત નીપજવાના પગલે તેઓના છ સંતાનો પિતાની છત્રછાયા ગુમાવી હતી.આ દુઃખદ ઘટનામા પરિવારને હળવદ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ આજે રતાભાઇના પરિવારને રૂપિયા ૫૦ હજાનો ચેક અર્પણ કરી આર્થિક મદદ કરી હતી. આ વેળાએ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનનાં પતિ મહેશભાઈ કોપેણીયા અને હળવદ ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન સોમાભાઈ દલસાણીયા હાજર રહ્યા હતા.