હળવદ પોલીસે મૃતકના ૩ કુટુંબીજનો સામે નોંધ્યો હત્યાનો ગુનો : પ્રેમ પ્રકરણમાં યુવાનને જીવતો સળગાવી દેવાયો હતો હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ હનુમાનજીના મંદિરની ઓરડીમાં ૨૨ વર્ષના યુવાનને તેના જ કુટુંબના ત્રણ સગા ભાઇઓએ પ્રેમ પ્રકરણના મનદુઃખને લઈ જીવતો સળગાવી દીધો હતો. જોકે ગંભીર હાલતે યુવાનને હળવદ ત્યારબાદ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે મૃતક યુવાનના પિતાએ હળવદ પોલીસ મથકે તેના જ કુટુંબના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા વિક્રમભાઈ હરેશભાઈ પીપળીયા ઉંમર વર્ષ ૨૨ નામનો યુવાન તારીખ ૧૪ની રાત્રિના ગામમાં આવેલા હનુમાનજી મંદિરની ઓરડીમાં સુતો હતો ત્યારે તેના શરીરે જવલનશીલ પ્રવાહી રેડી જીવતો સળગાવી દેવાયો હતો. જોકે ગંભીર હાલતે યુવાનને સારવાર માટે હળવદથી મોરબી અને ત્યાંથી રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત થયું છે. જેથી આ બનાવને પગલે મૃતક વિક્રમના પિતા હરેશભાઈ વિઠ્ઠલભાઈ પીપળીયાએ હળવદ પોલીસ મથકે તેમના કુટુંબી મહાદેવભાઇ કાનજીભાઈ પીપળીયા, સુરેશભાઈ કાનજીભાઈ પીપળીયા અને દિનેશભાઈ કાનજીભાઈ પીપળીયા સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસ દ્વારા ત્રણેય શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન તેજ કર્યા છે તો બીજી તરફ મૃતક વિક્રમને સળગાવવા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં આરોપી મહાદેવભાઇ પીપળીયાની પુત્રી સાથે મૃતક વિક્રમને પ્રેમ સંબંધ હોય જેને લઇ આ ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે.