3 માસ પહેલા કેન્સરના નિદાન બાદ આસામ ખાતે ચાલી રહી હતી સારવાર : ચિ. દેવી મુસાહરીને પ્રાર્થના સભા દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હળવદ : હળવદ શિશુમંદિરમાં અભ્યાસ કરતી આસામની દીકરીઓ પૈકી સૌથી નાની ઉંમરની દીકરી ચિ.દેવી મુસાહરીનું 3 માસ પહેલા કેન્સરનું નિદાન થતા સારવાર માટે તેના વતન આસામ ખાતે લઈ જવાઈ હતી. સારવાર દરમિયાન ગઈકાલે આસામ ખાતે તેના નિવાસસ્થાને તેનું અવસાન થતા શિશુમંદિર ખાતે શોકની લાગણી છવાઈ ગઈ હતી. હળવદના શિશુમંદિર ખાતે આસામની 30 દીકરીઓ છેલ્લા 5 વર્ષથી આશ્રય લઈ રહી છે. તે પૈકીની ચિ. દેવી સૌથી નાની ઉંમરની દીકરી હતી. જેને 3 માસ પહેલા બગલના ભાગમાં ગાંઠ થતાં તે કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. ત્યારે તેને પ્રથમ અમદાવાદ સિવિલ ખાતે સારવાર આપવામાં આવેલ. ત્યાર બાદ ગૌહાટી આસામ ખાતે પણ સારવાર આપવામાં આવેલ પરંતુ સારવાર કારગત ન નિવડતા ફૂલ જેવી દીકરી ચિ.દેવીનું ગઈકાલે આસામ ખાતે દુઃખદ અવસાન થયું હતું. આ સમાચાર મળતાની સાથે હળવદ શિશુમંદિર સ્ટાફ તથા અભ્યાસ કરતી તમામ દીકરીઓ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. આજે સવારે 10:30 કલાકે સદગતની આત્માની શાંતિ માટે શિશુમંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ દરમ્યાન ઉપસ્થિત સહુએ ગીતાજીના પાઠ કરી અને ઉપનીષદના મંત્રોચ્ચારથી સદગતને હૃદયપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ દીકરી 2015થી હળવદ શિશુમંદિર ખાતે અભ્યાસ કરતી હોય અને સંકૃતિક કાર્યક્રમો - રમતગમતના કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈ અને સૌ લોકોના મન મોહી લેતી હતી. ત્યારે સ્વ.દેવીની ઓચિંતી વિદાયથી સર્વે વિદ્યાર્થીનીઓ અને શાળા પરિવારે ઘેરા શોકની લાગણી અનુભવી હતી. આ પ્રાર્થના સભામાં તાલુકા સંઘ ચાલકજી દિલીપભાઈ સોની, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દવે, હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલ, હળવદ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ વિજયભાઇ ઠાકર, રમણિકભાઈ રાબડીયા, રાજુભાઇ દવે, શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે સહિત શાળા પરિવારના સર્વેએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રાર્થનાસભામા કોરોના વાયરસને ધ્યાનમાં લઇ હાજર સૌએ માસ્ક પહેર્યા હતા સેનેટાઈઝર દ્વારા હાથ સાફ કરીને જ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા.