પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બે ગૌવંશના ઝેરી અસરથી મોત નિપજતા અરેરાટી હળવદ : હળવદ તાલુકાના જુના સુંદરગઢ ગામે ગત રાત્રીના બે ગૌવંશના ઝેરી અસરથી મોત નિપજયાની ગ્રામજનોને જાણ થતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તો સાથે જ ગૌવંશના મોત પાછળ ઝેરી ખોરાક હોવાનું કારણ ગ્રામજનોએ જણાવ્યું હતું. બનાવની મળતી વિગતો મુજબ ગતરાત્રીના હળવદના તાલુકાના જુના સુંદરગઢ ગામના ધણખુટ ગણાતા બે ખુંટીયાનું ઝેરી ખોરાક ખાવાથી મોત નિપજયાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા તો સાથે જ શ્રાવણ માસના પવિત્ર દિવસે બે ગૌવંશના મોતના પગલે ગૌપ્રેમીઓમાં ભારે આક્રોશ જાવા મળ્યો હતો. તો બીજી તરફ ગ્રામજનોના જણાવ્યા મુજબ બન્ને ગૌવંશના મોત ઝેરી ખોરાક આરોગવાથી થયા છે કે કોઈ અસામાજિક તત્વોએ ખોરાકમાં ઝેરી પદાર્થ ભેળવી દઈ મોતને ઘાટ ઉતારવાનું કૃત્ય કરાયું છે કે શું? તેમ સહિતની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.