ગામના અમુક લોકો દ્વારા સરપંચ અને સભ્યો પર ખોટા આક્ષેપો કરી બદનામ કરતા હોવાથી કંટાળી જઈ રાજીનામા આપ્યા હોવાની ચર્ચા હળવદ: આજ રોજ હળવદ તાલુકાના મયાપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિત સાત સભ્યોએ એકાએક રાજીનામા ધરી દેતા ચકચાર મચી જવા પામી છે. જો કે સરપંચે પોતાના અંગત કારણોને આગળ ધરી રાજીનામુ આપ્યું હોવાનું જણાવી રહ્યા છે પરંતુ લોકોમાં એવી ચર્ચા ચાલી છે કે ગામના અમુક કહેવાતા બની બેઠેલા નેતાઓ સરપંચ સહિત પંચાયતને વિકાસના કામોમાં અવરોધ કરતા હોવાને લઈ આખી પંચાયત એ રાજીનામા ધરી દીધા હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મયાપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકેની સેવા આપતા કાંતિભાઈ કણજરીયા પાછલા ઘણા સમયથી ગામમાં વિવિધ વિકાસના કામો કરી લોકોમાં સારી એવી લોકચાહના મેળવી હતી. જે વાત અમુક નેતાઓને કણાની જેમ ખૂચતી હોય. જેથી, અવારનવાર ગામમાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના સરપંચ સહિત પંચાયતના સભ્યો પર વાહિયાત આક્ષેપો કરવામાં આવતા હતા. જેના કારણે ઈમાનદારીથી કામ કરતા સરપંચ સહીત પંચાયત એ રાજીનામા આપ્યા હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે. જો કે માયાપુરના સરપંચ એ તાલુકા વિકાસ અધિકારીને સોંપેલા રાજીનામા પોતે પોતાના કામને લઇ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે સરપંચ સહિત સાત સભ્યો એ એકાએક રાજીનામા ધરી દેતા ચકચાર મચી જવા પામી છે. હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ એ જણાવ્યું હતું કે માયાપુર ગામના સરપંચ આજે રાજીનામું દેવા માટે આવ્યા હતા. જેઓને સમજાવતા તેઓ કોઈના પણ દબાણમાં નહીં પરંતુ સ્વૈચ્છિક રાજીનામું આપતા હોવાનું જણાવી રહ્યા છે.