મોરબી : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-2) ડેમમાં પાણીની સતત આવક ચાલુ છે. ડેમ 70 ટકા જેટલો ભરાઈ ગયો હોવાથી જળ સંપત્તિ વિભાગ દ્વારા ચેતવણી સંદેશ જાહેર કરવામાં આવ્યો છે અને નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.તંત્ર દ્વારા જાહેર કરાયેલા સંદેશ મુજબ, શક્તિ સાગર (બ્રાહ્મણી-2) ડેમ રૂલ લેવલ મુજબ 70% ભરાઈ ગયેલ છે. તે ઉપરાંત ડેમમાં પાણીની આવક ચાલુ હોય નીચાણવાસમાં આવતા સુસવાવ, કેદારીયા, ધનાળા,રાયસંગપર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર, માનગઢ સહિતના ગામોના લોકોને તકેદારીના પગલાં લેવા તેમજ નદીના પટમાં કોઈપણ પ્રકારની અવર-જવર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત લોકોને પોતાની માલ-મિલકત તથા ઢોર-ઢાંખરને પણ નદીના પટમાં ન જવા દેવા તેમજ ખાસ સાવચેત રહેવા જણાવાયું છે.