મોરબી : ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા મતવિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે કુલ રૂ. 6 કરોડ 95 લાખની માતબર રકમની ફાળવણી કરી છે. આ ભંડોળ મતવિસ્તારમાં માળખાકીય સુવિધાઓને સુદ્રઢ કરવા માટે ઉપયોગમાં લેવાશે. આ મહત્વપૂર્ણ મંજૂરી બદલ ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના માલવણ-વાવડી-ઇસદ્રા રોડની કામગીરી માટે 140 લાખ રૂપિયા, હળવદ તાલુકાના અજીતગઢથી ખોળ રોડ માટે 270 લાખ રૂપિયા અને હળવદ તાલુકાના મિયાણી અજીતગઢ રોડ માટે 285 લાખ રૂપિયા મંજૂર કરાયા છે. ધારાસભ્ય વરમોરાના મતવિસ્તારના વિવિધ રસ્તાઓ પર આવેલ કોઝવેની બિસ્માર સ્થિતિ અને નવા નાળા, સી.સી. રોડ તેમજ સી.ડી. વર્ક્સની તાતી જરૂરિયાત અંગે તેમણે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તેમની આ રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે આ ભંડોળ મંજૂર કર્યું છે. આ કાર્યો થકી સ્થાનિક નાગરિકોને સુવિધા મળશે, અવરજવર વધુ સરળ બનશે, અને પ્રદેશના સર્વાંગી વિકાસને વેગ મળશે.