બન્ને ગામોમાં સરપંચ પદ સામાન્ય સ્ત્રી માટે અનામત મોરબી : મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના બે ગામોની ગ્રામપંચાયતની મુદત પૂર્ણ થતાં ચૂંટણી પંચ દ્વારા શિવપુર અને રણછોડગઢ ગામની સામાન્ય ચૂંટણી યોજવા સતાવાર જાહેરનામું અમલી બનાવ્યું છે જે અન્વયે તા.૨૨ ઓક્ટોબરના રોજ મતદાન થશે અને તા. ૨૪ મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના શિવપુર અને રણછોડગઢ ગામની ગ્રામપંચાયતોની આઠ વોર્ડ અને સરપંચ પદની સામાન્ય ચૂંટણી તા. ૨૨ ના રોજ યોજાશે જે અંતર્ગત આજથી જાહેરનામું અમલી બની ગયું છે અને તા. ૬ ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે તેમજ તા.૮ મીએ ઉમેદવારીપત્રની ચકાસણી અને તા. ૯ સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. વધુમાં બન્ને ગામોની ગ્રામ પંચાયતના સરપંચ પદ સામાન્ય સ્ત્રી ઉમેદવાર રહેશે, ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત જરૂર પડ્યે તા. ૨૨ ઓક્ટોબરે મતદાન અને ૨૪ મીએ મતગણતરી કરવામાં આવનાર હોવાનું રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને હળવદ પ્રાંત દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.