હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે ટ્રેકટરની લીફટમાં ખામી સર્જાતા રોટાવેટર રીપેરીંગ કામ દરમિયાન યુવાનનું માથું પેટી અને રોટાવેટર વચ્ચે આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સરકારી હોસ્પિટલે સારવાર દરમિયાન યુવાનનુ મોત નિપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ હળવદના સાપકડા ગામે વાડીમાં ટ્રેકટર ચલાવી રહેલા ગૌતમ શંકરભાઈ દલવાડી ઉ.૩૫ નામનો યુવાન ટ્રેકટરના રોટાવેટરમાં ખામી સર્જાતા રીપેરીંગ કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ ટ્રેકટરમાં હાઈડ્રોલીક પંપ અને સાધનો રાખવા બનાવેલી લોખંડની પેટી વચ્ચે માથું આવી જતાં યુવાન ગંભીર હાલતમાં સારવાર માટે હળવદ ના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનને સરવાર કારગત નીવડી ન હતી અને ફરજ પરના તબીબોએ યુવાનને મૃત જાહેર કરી લાશને પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી. નાના એવા સાપકડા ગામમાં કરુણાંતીકા સર્જાતા દલવાડી સમાજના આગેવાનો સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. અને ગૌતમ શંકરભાઇ દલવાડીનું અરેરાટી ભર્યું મૃત્યુ નિપજતા પરિવારજનોમાં કાળો કલ્પાંત છવાઈ ગયો હતો.