ખેત મજુરી કરતા પરિવારના પુત્રએ રણછોડગઢ સહિત હળવદનું ગૌરવ વધાર્યું : શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હળવદ : તરણેતરના ભાતીગળ મેળામાં યોજાયેલ અન્ડર - ૧૬ ઓલમ્પિક દોડ સ્પર્ધામાં હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા અને માથક ગામની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થીએ ઓલમ્પિક દોડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી શાળા તેમજ તાલુકાનું નામ રોશન કર્યું છે. તરણેતર ખાતે યોજાતા ચાર દિવસીય ભાતીગળ લોકમેળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં રાજયભરના સ્પર્ધકો ભાગ લેતા હોય છે. ત્યારે બુધવારના રોજ અન્ડર ૧૬ ઓલમ્પિક દોડ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા અને ખેત મજુરી કરતા ચંદુભાઈ ઠાકોરનો પુત્ર દેવરાજ ઠાકોર માથક ગામે આવેલ શ્રીમતી વી.ડી.ગાર્ડી માધ્યમિક શાળામાં ધો.૯ માં અભ્યાસ કરે છે. ત્યારે ગત કાલે તરણેતરના લોક મેળામાં યોજાયેલ અન્ડર ૧૬ ઓલમ્પિક દોડ સ્પર્ધામાં ૮૦૦ મીટરની હરિફાઈમાં પ્રથમ નંબર મેળવી શાળા તેમજ ગામ સહિત હળવદનું ગૌરવ વધાર્યું છે.