રૂ.9.59 કરોડની પુરાંતવાળુ બજેટ સામાન્ય સભામાં બહુમતીથી પસાર : શિવરાત્રીએ હળવદ શહેરનો સ્થાપના દિન ઉજવવાનો નિર્ણયહળવદ : હળવદ નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2026-27ના રૂ.111 કરોડના બજેટને બહુમતીથી મંજૂરી મળી છે. ઉપરાંત સભામાં શિવરાત્રીએ હળવદ શહેરનો સ્થાપના દિન ઉજવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.હળવદ નગરપાલિકાની આજે સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી. જેમાં હળવદ નગરપાલિકાનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. રૂ. ૯,૫૯,૨૯,૮૮૫ની પુરાંત વાળુ આ બજેટ બહુમતીથી પસાર થયું હતુ. આ બજેટનું કદ રૂ. ૧૧૧.૧૭ કરોડ આંકવામાં આવ્યું છે. વધુમાં હળવદ નગરપાલિકા દ્વારા આવનાર સમયમાં નગરના વિકાસ માટે વિવિધ સુવિધાને પ્રાથમિકતા આપવાના એજન્ડા મંજુર કરવામાં આવ્યા હતા. હળવદ શહેરની સ્થાપના શિવરાત્રીના દિને થયેલ હોય જેથી આવનાર શિવરાત્રીના રોજ હળવદ શહેરની સ્થાપના દિનની ઉજવણી કરવાનું ઠરાવવામાં આવ્યુ હતું. બજેટમાં હળવદ શહેરની સ્વચ્છતા બાબતે તમામ રસ્તાની સુંદરતાની સાથોસાથ સ્વચ્છતા બાબતે રૂ.૬૫-૦૦ લાખનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મુખ્ય માર્ગ પર ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવા આયોજન કરવામાં આવ્યું છે. રૂ.૫.૮૭ કરોડ રૂપિયાના ખર્ચે બાકી આવાસ તેમજ જગ્યા ડેવલપમેન્ટ કરવાનું કરાવવામાં આવ્યું છે. રૂ.૧.૨૦ કરોડના ખર્ચે રોડ રીસરફેસિંગ કરવા ઠરાવવામાં આવેલ છે. રૂ.૨૫ લાખના ખર્ચે સ્વચ્છતાના સાધનો તેમજ ડસ્ટબીન તથા વૈજનાથ મહાદેવ મંદિર સામે પીક-અપ સ્ટેન્ડ બનાવવા આયોજન કરાયું છે. વરસાદી પાણી જમીન પેટાળમાં રીચાર્જ થાય તે હેતુથી વોટર હાર્વેસ્ટીંગનાં કામનું આયોજન કરેલ હતું તેમજ મુખ્ય શહેર પ્રવેશદ્વાર પાસે આવેલ સર્કલને ડેવલપમેન્ટ કરવા આયોજન કરાયું છે. હળવદ શહેરમાં રમત ગમતને વધુ પ્રોત્સાહન મળે તે માટે ક્રિકેટનું ગ્રાઉન્ડ તાલુકા મથકે ન હોય જે સબબ જમીનની માંગણી કરવા તથા શહેરમા ક્રિકેટનું એક પ્લેટફોર્મ ઉભું થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.